કોરોના મહામારીમાં લોકોની મદદ કરવા માટે વિવિધ સેવા ભાવી સંસ્થાઓ અને લોકોની સાથોસાથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – RSS ગાંધીનગર જિલ્લા – શહેરના વિવિધ કાર્યકર્તાઓ પણ સેવા યજ્ઞમાં જાેડાયા છે. છેલ્લા એક સપ્તાહથી સંઘના ૧૪ જેટલા કાર્યકર્તાઓ સવારે ૯ થી રાત્રે ૮ સુધી કોવિડ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે પોતાની સેવા આપી રહ્યા છે. જેમાં કોવિડ વોર્ડમાં કોરોનાના દર્દીઓને ભોજન પહોંચાડવું, ડેસ્ક ઉપર દર્દીઓની નોંધણી કરવી, શબઘરમાં વ્યવસ્થા માટે મેડિકલ સ્ટાફને મદદ સહિતની વિવિધ કામગીરીમાં સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને તેમની જરૂરિયાત મુજબ સેવા આપી રહ્યા છે.સિવિલમાં દરરોજ રાત્રે બે સ્વયંસેવક હેલ્પ ડેસ્ક પર રાત્રે ૮ થી સવારે ૬ સુધી સેવા આપી રહ્યા છે.
આ સેવા કાર્ય આગામી સમયમાં જરૂર હશે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.આ ઉપરાંત સેક્ટર-૩૦માં આવેલા અંતિમધામમાં ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામોના ૦૬ જેટલા સ્વયંસેવકો છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક તંત્ર સાથે મળીને વિવિધ સેવા આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સેક્ટર-૩૦ અંતિમધામના સંચાલકશ્રી દ્વારા અંતિમધામમાં સેવા આપી શકે તેવા યુવાનો-લોકોને સેવા આપવા અપીલ કરી હતી જેના ભાગરૂપે સ્વયંસેવકો સેવા યજ્ઞમાં જોડાયા છે, તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગાંધીનગરના નગર કાર્યવાહ શ્રી દિપક પ્રજાપતિની યાદીમાં જણાવ્યું હતું.