સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક આજે ડમ્પર અને કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માત માં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે કારમાં સવાર લોકો ધામા શક્તિમાતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર લખતર તાલુકાના ડેરવાળા ગામની 4 ક્ષત્રિય મહિલાઓ એ જીવ ગુમાવ્યો છે, જ્યારે 1 પુરુષ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ ગોઝારી ઘટના બાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ બજાણા પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝેઝરી ગામ પાસે ડમ્પર-અલ્ટ્રોઝ કારની ભીષણ ટક્કર
અકસ્માતની આ ઘટના સુરેન્દ્રનગર-માલવણ (પાટડી) હાઈવે પર ઝેઝરી ગામ નજીક બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતગ્રસ્ત અલ્ટ્રોઝ કાર માલવણ તરફથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી. તે જ સમયે, સામેની દિશામાંથી પુરપાટ ઝડપે (માંતેલા સાંઢની માફક) આવી રહેલા ડમ્પર સાથે કારની ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. તમામ મૃતક મહિલાઓ લખતર તાલુકાના ડેરવાળા ગામની રહેવાસી હતી અને ધાર્મિક સ્થળ ધામા શક્તિમાતાજીના દર્શન કરીને પરત ફરી રહી હતી.
તત્કાળ બચાવ કામગીરી અને પોલીસ કાર્યવાહી
આ ગોઝારા અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા, જેના કારણે હાઈવે પર મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ને જાણ કરી હતી. માહિતી મળતાં જ બજાણા પોલીસ સ્ટેશન નો કાફલો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ટીમે ટ્રાફિક ક્લિયર કરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા એક પુરુષ ને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતક ચાર મહિલાઓના મૃતદેહો ને પોલીસે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ અકસ્માત કયા સંજોગોમાં થયો, તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.