મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

Spread the love

 

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્ર ભાઈ પટેલે રાજ્યના ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે આ જાહેરાત કરી હતી. તેમણે વીડિયો સંદેશના માધ્યમથી રાહત પેકેજ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.

આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.

રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ હતું. જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે.આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ હતું. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *