ગાંધીનગર જિલ્લામાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બોરીસણા ગામના સુખી-સંપન્ન પરિવારના વડા અને ત્રણ પેટ્રોલ પંપના માલિકે પોતાની બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બોરીસણા ગામના રહેવાસી ધીરજભાઈ ભલાભાઈ રબારી ગઈકાલે સવારે તેમની બે દીકરીઓના આધારકાર્ડ કઢાવવાનું કહીને ગાડી લઈને ઘરેથી નીકળ્યા હતા.
મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ત્રણેય ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પીઆઇ એસ. આર. મૂછાળના જણાવ્યા અનુસાર, મોડે સુધી પરત ન ફરતા ધીરજભાઈએ તેમની ગાડીનું લોકેશન અને મોબાઈલનો પાસવર્ડ પરિવારને મોકલી આપ્યો હતો. તપાસ દરમિયાન તેમની ગાડી શેરીસા નર્મદા કેનાલ પાસેથી મળી આવી હતી, જેના આધારે કેનાલમાં તરવૈયાઓ અને ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
જોકે, આજે સવારે બંને નાની દીકરીઓની લાશ કલોલ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી હતી, જેના કારણે સમગ્ર રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ધીરજભાઈ સુખી સંપન્ન હોવા છતાં આ પગલું કેમ ભર્યું તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. હાલમાં સાંતેજ પોલીસે બંને બાળકીઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ ત્રણ પેટ્રોલ પંપના માલિક એવા ધીરજભાઈની હજી સુધી કોઈ ભાળ મળી નથી.