ગુજરાત સરકારે પંચાયતી રાજ સંસ્થાઓને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાના હેતુથી એક કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ‘ગુજરાત પંચાયત ઓફિસ બેરર્સ 2025’ અંતર્ગત પ્રસિદ્ધ થયેલા નવા રાજપત્ર (ગેઝેટ) દ્વારા, ચૂંટાયેલા પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવાની સત્તા હવે અધિકારીઓને સોંપવામાં આવી છે. આ નિર્ણયથી પંચાયતી રાજમાં બાબુશાહી (Bureaucracy) નો પ્રભાવ વધવાની આશંકાએ હડકંપ મચી ગયો છે.
DDOને મળી ‘પ્રમુખને ઘરભેગા કરવાની’ સત્તા
- નવા નોટિફિકેશન મુજબ, હવે ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થવા પર ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયત સુધીના હોદ્દેદારો સામે કાર્યવાહી થઈ શકશે.
- ગ્રામ/તાલુકા પંચાયત: ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે તો જિલ્લા વિકાસ અધિકારી (DDO) ગ્રામ અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓને ઘરભેગા (પદેથી દૂર) કરવા સક્ષમ બન્યા છે.
- જિલ્લા પંચાયત: જિલ્લા પંચાયતના હોદ્દેદારો સામે પગલાં લેવાની સત્તા વિકાસ કમિશનર (Development Commissioner) ને આપવામાં આવી છે.
- તપાસનો આધાર: અધિકારીઓ હવે માત્ર સાદી અરજી કે મૌખિક બાતમીના આધારે પણ હોદ્દેદારો સામે તપાસ શરૂ કરી શકશે.
- પગલાં લેવાની સત્તા: તપાસ અને પગલાં લેવાની સત્તા DDO અને તેના ઉપરી અધિકારીઓને અપાઈ છે.
- સરપંચ પરિષદના મહામંત્રીએ કહ્યું, “ભ્રષ્ટાચાર ડામવા માટે આ નિર્ણય સારો છે.” જોકે સાથે જ “આ નિર્ણયથી બાબુશાહી વધી જશે” તેવી આશંકા પણ વ્યક્ત કરી.
- પંચાયતી રાજ નિષ્ણાતોએ કહ્યું, પંચાયતી રાજ પર બાબુશાહીનો પ્રહાર વધવાની અને ચૂંટાયેલા પદાધિકારીઓની સત્તા ઘટવાની સંભાવના.
ગુજરાત પંચાયત ઓફિસ બેરર્સ 2025 અંતર્ગત પ્રસિદ્ધ થયેલા આ ગેજેટને કારણે પંચાયતી રાજના પદાધિકારીઓમાં હડકંપ મચી ગયો છે, કારણ કે હવે તેમના પર અધિકારીઓની સીધી કાર્યવાહીની તલવાર લટકી રહી છે.
DDOને સત્તા આપવાના નિર્ણયથી સ્થાનિક સ્વરાજ્યના હોદ્દેદારોમાં રોષ
રાજ્ય સરકાર દ્વારા પંચાયતોના ચૂંટાયેલા પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે DDO (જિલ્લા વિકાસ અધિકારી)ને સત્તા આપવાના મામલે સ્થાનિક સ્વરાજ્યના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અગ્રણી અને છેલ્લા 20 વર્ષથી તાલુકા અને ગ્રામ પંચાયતના હોદ્દેદાર રહી ચૂકેલા વિક્રમભાઈ હૂંબલે આ પરિપત્ર સામે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખોની તમામ સત્તાઓ છીનવાઈ જશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે હવે કોઈ સત્તા રહી નથી. તેમના મતે, હવે જો ગ્રામ પંચાયતના સરપંચ કે અગ્રણીઓ કોઈ રજૂઆત કરશે તો પણ મોટા અધિકારીઓ તેમને દબાવવાનો પ્રયાસ કરશે. આ સમગ્ર પરિપત્રથી ઊભો થતો સૌથી મોટો સવાલ એ છે કે, જો અધિકારીઓ પોતે ભ્રષ્ટાચાર કરશે તો તેમની તપાસ કોણ કરશે? આ નિર્ણયને કારણે સ્થાનિક સ્વરાજ્યના હોદ્દેદારોમાં તીવ્ર નારાજગી ફેલાયેલી છે.