અમદાવાદમાં 200થી વધુ BLOના ધરણા, અધિકારીઓ દબાણ કરતા હોવાનો આક્ષેપ

Spread the love

 

અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રના 200થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) આજે ખોખરા ખાતેની કે. કા. શાસ્ત્રી કોલેજમાં ધરણા પર બેસી ગયા છે. આ કોલેજ અમરાઈવાડી વિધાનસભાનું સેન્ટર છે, જ્યાં BLO ફિલ્ડનું કામ પતાવીને ઓનલાઈન ડેટા અપલોડ કરવા આવે છે. BLO દ્વારા વિરોધનું મુખ્ય કારણ તેમને સોંપવામાં આવેલી ‘મેપિંગ’ની જટિલ કામગીરી છે, જેને તેઓ અવ્યવહારુ ગણાવી રહ્યા છે. BLOનું કહેવું છે કે, આ પ્રક્રિયા અત્યંત જટિલ છે. તેમને ચૂંટણીપંચની વેબસાઈટ પર જઈને ઓનલાઈન નામ શોધીને વિગતો ભરવાની હોય છે. આમાં સૌથી મોટી સમસ્યા આઈડેન્ટિફિકેશનની છે. જો કોઈ મતદાર પોતાના માતાનું નામ માત્ર ‘કૈલાશબેન’ લખાવે, તો BLO જ્યારે ઓનલાઈન ડેટામાં ‘કૈલાશબેન’ નામ સર્ચ કરે છે, ત્યારે તેમને અનેક સમાન નામો જોવા મળે છે. આવા સંજોગોમાં, ચોક્કસ વ્યક્તિની ઓળખ કરીને 2002ની વિગતો ફોર્મમાં ભરવી એ એક મોટો પડકાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી પંચ દ્વારા શરૂઆતમાં BLOsને ફક્ત ASD (Absent, Shift, Death) મતદારોના ફોર્મ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, હવે આ કામગીરીમાં મોટો ફેરફાર કરીને તેમને દરેક મતદારનું ‘મેપિંગ’ કરવાની સૂચના આપવામાં આવી છે.
મેપિંગ પ્રક્રિયા અંતર્ગત, BLOને મતદાર દ્વારા ભરવામાં આવેલા ફોર્મની નીચે, 2002ના એસઆઈઆર (Service Identity Register) પ્રમાણેની વિગતો ભરવાની હોય છે. મતદારો ફોર્મમાં માત્ર બેઝિક માહિતી ભરીને આપી દે છે, પરંતુ ફોર્મની નીચેની જટિલ 2002ની વિગતો હવે BLOએ જાતે ભરવાની છે. નામ ન દેવાની શરતે BLO તરીકે ફરજ બજાવતા મહિલા શિક્ષિકાએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, નિષ્ઠાથી અમે મારું કામ કરીએ છીએ. સ્કૂલમાં પણ કરીએ છીએ અને અહીં પણ કરીએ છીએ. પરંતુ અહીં જે રીતના ખોટે ખોટું દબાણ કરવામાં આવી રહ્યું છે તે અયોગ્ય છે. હું એક બીપીની પેશન્ટ છું. મેં ના પાડી છતાં મને આ કામ આપવામાં આવ્યું, છતાંય અમે તે કામ હરખથી સ્વીકારી લીધું અને કરી રહ્યા છીએ. ઘણી વખત તો અમને એવા વિસ્તારમાં જવું પડે છે કે, જ્યાં એક મહિલા તરીકે જય પણ ન શકીએ. ઘણા લોકો ત્યાં દારૂ પીધેલી હાલતમાં પડ્યા હોય છે અને જેમ-તેમ ગાળો બોલતા હોય છે.
આ સિવાય મોટાભાગના મતદારોને જાણકારીનો અભાવ હોવાથી તેઓ ફોર્મ પરત કરાવવાનું પણ જરૂરી નથી સમજતા. આ એસઆઈઆરની કામગીરી શરૂ કરતાં પહેલાં એક જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ, જેથી મતદારોને ખબર પડે કે શું કામગીરી થઈ રહી છે અને આ કામગીરીમાં પોતાનું ફોર્મ ભરવું કેટલું જરૂરી છે. હમણાં થોડા દિવસથી લોકોને ખબર પડવા લાગી છે કે, આમાં ફોર્મ ભરવું ખૂબ જરૂરી છે. મારા જેવા અનેક મહિલા બીએલઓ અધિકારીએ ઘણા દિવસથી ઘરે શાક-રોટલી બનાવ્યું નથી. ઘરના લોકો બહારથી જમવાનું લાવીને જમે છે, કારણ કે અમારે મોડીરાત સુધી અને સવારે વહેલા ઊઠીને ફક્ત આ જ કામગીરી કરવાની હોય છે. મેપિંગનું કામ કરવું હોય તો આ લોકોએ ખરેખર એક બીએલઓ અધિકારીને એક કોમ્પ્યુટર ઓપરેટર આપવો જોઈએ, જેથી કરીને સરળતાથી મેપિંગનું કામ થઈ શકે. દિવસમાં બે વખત તો અહીં કોલેજ પર આ લોકો બોલાવે છે, એટલે ફિલ્ડમાં અમારે રાત્રે જવું પડે છે, જેમાં અમને કડવા અનુભવ થાય છે. અમારા બીઓલઓ અધિકારીઓના મોબાઈલ નંબર ઓનલાઇન સાઇટ પર મૂકી દેવામાં આવ્યા છે. ઘણા લોકો તો રાત્રે અમને એક બે વાગે ફોન કરીને તેમના ફોર્મની માહિતી મેળવે છે. ઘણી શિક્ષિકાઓ નાની છે, જેઓને ફિલ્ડમાં પણ ખરાબ નજરે જોવામાં આવે છે અને તેઓના નંબર પણ બધે ફરે છે. મારી પાસે તો 2002નું લિસ્ટ પણ નથી તો હવે હું મેપિંગ કરવા ક્યાં જાઉં અને કેવી રીતના મતદારોનું મેપિંગ કરું?
અમદાવાદ કોર્પોરેશનના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલ પણ કે. કા. શાસ્ત્રી કોલેજમાં હાજર રહ્યા હતા. તેમણે ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમરાઈવાડી વિધાનસભાના એઆરઓ ઓફિસર દ્વારા જે પણ કંઈ સૂચના આપવામાં આવે છે, તેમાં કોઈપણ જાતનું સ્પષ્ટીકરણ નથી હોતું. ચૂંટણીપંચે મતદારોને જાગૃત નથી કર્યા. મતદારો સામે ચાલીને જો ફોર્મ જમા કરાવવા આવે તો કામમાં સરળતા રહે. એક બીએલઓ દરેકના ઘરે જઈને આ રીતના ફોર્મ ભરીને 2002ની યાદી ભરવાની સહિતની વિગતો બીએલઓ અધિકારી એકલા ન કરી શકે. AMCના શિક્ષક મંડળના મહામંત્રી રજનીકાંત સોલંકીએ જણાવ્યું કે, પહેલા અધિકારીઓએ બીએલઓને એવું કીધું કે મેપિંગનું કામ કરો, મેપિંગનું કામ ચાલુ હતું, 15-20 ટકા કામ થઈ ગયું હતું અને તે કામ અટકાવી દેવામાં આવ્યું અને કહ્યું કે, તમે ફક્ત ASDનું કામ કરો. એટલે કે, જે લોકો સ્થળાંતર કરીને બીજે જતા રહ્યા છે. જે લોકો ઘરે હાજર નથી મળતા અથવા જે લોકોનું મૃત્યુ થઈ ગઈ છે તે લોકોના ફોર્મ સબમિટ કરવાનું કહ્યું. હવે ફરી પાછું મેપિંગ કરવાનું કહી રહ્યા છે.​​​​​​​
અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં અંદાજે 1 લાખ કરતા પણ વધુ ASD લોકો છે અને આ વિસ્તાર મોટાભાગે એક શ્રમિક વિસ્તાર છે. હવે આ લોકોને ઇલેક્શન કમિશનની સાઈટ પર જઈને 2002ની યાદીમાં આ લોકોના તેમના સગા-વાલાના નામ છે કે નહીં? તે શોધવાના છે. હવે ઓનલાઇન નામ શોધવા જોઈએ તો એક સાથે અનેક પીડીએફ ડાઉનલોડ થાય છે અને એક પીડીએફમાં હજારો નામ હોય છે, જે બીએલો માટે શોધવા ઘણા જ મુશ્કેલ છે. મેપિંગની કામગીરી કરવા જઈએ તો અમુક વાર તો તે સાઇટ ઓપન જ નથી થતી. અધિકારીઓને પૂછીએ તો હાથ અધર કરી દે છે. મામલતદાર સાહેબ અહીં કે. કા. શાસ્ત્રી કોલેજમાં આવીને બીએલઓને ધમકી આપે છે કે તમને હું સ્પેશિયલ કેસમાં જોઈ લઈશ. હવે આ વાતને કેવી રીતના સમજવી? એક તો પહેલેથી જ ઘણા BLO આ કામગીરીને લઈને મરી ગયા છે અને તેમાં પણ જો આવી ધમકી આપવામાં આવે તે કેટલું યોગ્ય છે?
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આજે (21 નવેમ્બર) સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીનાં કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *