
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાન કરડવાના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને સોલા સિવિલ હોસ્પિટલમાં આવતા આંકડાઓ ચિંતાજનક છે. વર્ષ 2025 દરમિયાન અહીં કુલ 17,226 ડોગ બાઇટના કેસ નોંધાયા છે. આમાં 3,557 નવા અને 13,669 ફોલો-અપ કેસોનો સમાવેશ થાય છે. ફોલો-અપ કેસો તેઓ છે જેઓને ડોગ બાઇટ બાદ આપવામાં આવતા 4 ડોઝમાંથી બીજા કે બાદના કોઈ ડોઝ માટે હોસ્પિટલમાં આવવું પડે છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી-NCR વિસ્તારમાંથી કુતરાઓ ખસેડવા માટેની સૂચના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરમાં કૂતરાંઓનો ત્રાસ ઘટાડવા શહેરમાં બાકરોલ-વસ્ત્રાલમાં અગાઉ રખડતાં ઢોર રાખવા બનાવેલા બે ઢોરવાડામાં હવે આક્રમક કૂતરાં રાખવાની વ્યવસ્થા કરાશે. એનિમલ વેલ્ફેર બોર્ડ ઇન્ડિયા અને પશુપાલન વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવશે. ત્યારબાદ આગામી દિવસોમાં શહેરમાં આ મામલે વધુ અસરકારક કામગીરી કરાશે.