
અમદાવાદમાં પરિણીતાએ કરેલી આત્મહત્યાની કોશિશના મામલામાં ડાઈંડ ડેકલેરેશન લેવામાં ગંભીર બેદરકારી દાખવનારા એક્ઝિક્યુટિવી મેજિસ્ટ્રેટનો હાઈકોર્ટે શાંતિપૂર્વક ઉધડો લીધો હતો. કોર્ટે અઠવાડિયામાં ખુલાસો માગ્યો છે અને કહ્યું છે કે, જો ખુલાસો સંતોષકારક નહીં હોય તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુજીતુકમારને કોર્ટમાં બોલાવવામાં આવશે. કોર્ટે એ પણ નોંધ્યું કે, પોતાના કેરિયરમાં આવી વર્તણૂંક ક્યારેય જોઈ નથી. સોલા હાઇકોર્ટ પોલીસ મથકે સપ્ટેમ્બર મહિનામાં દહેજ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત 30 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ રદ્દ કરવા પતિએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મહિલાના લગ્ન 12 વર્ષ પહેલા થયા હતાં, તેને બે સંતાન પણ છે. મહિલા અને તેના સાસરિયા મૂળ સુરેન્દ્રનગરના છે, પરંતુ મહિલાનું સાસરું મહેસાણા અને પિયર અમદાવાદમાં છે. આ કેસમાં મહિલાને દહેજની માંગ સાથે સાસુ અને પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી તેને પિયરમાં આવીને ફિનાઇલ પીધું હતું. જેથી તેની માતાએ 108 મારફતે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. મહિલાએ આત્મહત્યાની કોશિશ કરતા સોલા પોલીસના તપાસ અધિકારીએ હોસ્પિટલમાં પહોંચીને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને ડાઇંગ ડેક્લેરેશન લેવા યાદી મોકલી આપી હતી. જેમાં એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ સહદેવ સગરને તેનું ડાઇંગ ડેક્લેરેશન લેવા જવાનું હતું. પરંતુ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટે હોસ્પિટલમાં જઈને ડાઇંગ ડેક્લેરેશન લેવાની જગ્યાએ ઓફિસમાં બેસીને જ એન્ડોર્સમેન્ટ આપ્યું હતું કે મહિલાનું ડાઇંગ ડેક્લેરેશન નોંધવાની જરૂર નથી. તે મરણ પથારીએ નથી, વળી હોસ્પિટલને જણાવ્યું હતું કે જો મહિલા મરણ પથારીએ આવે તો મેજિસ્ટ્રેટને જાણ કરવામાં આવે.
આ અંગે હાઇકોર્ટે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને કોર્ટમાં રૂબરૂ ઉપસ્થિત રહેવા હુકમ કર્યો હતો. જ્યાં એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટે સ્વીકાર્યું હતું કે તે હોસ્પિટલમાં રૂબરૂ ગયા નહોતા અને તેમને માફ કરવામાં આવે. જો કે હાઈકોર્ટે શાંતિપૂર્વક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો ઉધડો લીધો હતો. સાથે જ આવા અસંવેદનશીલ લોકોને, આવી સંવેદનશીલ કામગીરી સોંપવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે તેઓએ કદી પોતાના કેરિયરમાં આવી વર્તણૂક જોઈ નથી. હાઇકોર્ટે કહ્યું હતું કે એ તો સારું છે કે મહિલા જીવિત છે, જો તે મૃત્યુ પામી હોય તો શું થાત ? કોર્ટનું કાર્ય નિર્દોષને સજા થાય નહીં તે જોવાનું છે, સાથોસાથ ગુન્હેગાર છટકી ન જાય તે પણ જોવાનું છે. હાઇકોર્ટે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને પોતાની આ કામગીરી ઉપર એક અઠવાડિયામાં ખુલાસો આપવા કહ્યું છે. જો ખુલાસો સંતોષકારક નહીં હોય તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુજીત કુમારને કોર્ટમાં બોલાવવામાં આવશે.