સ્કૂલ પ્રવાસ સમયે રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ‘હસવામાંથી ખસવું’ થઈ ગયું! માતા-પિતા માટે લાલબત્તી સમાન રાજકોટની ઘટના

Spread the love

 

બાળકોને પ્રવાસમાં મોકલતા વાલીઓ માટે આંખ ઉઘાડનારો અને અત્યંત આઘાતજનક કિસ્સો જુનાગઢના સાસણગીરથી સામે આવ્યો છે. અહીં એક ખાનગી રિસોર્ટમાં શાળાના પ્રવાસ દરમિયાન સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ધોરણ 8માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતક વિદ્યાર્થીના પરિવાર, સાથી મિત્રો અને શિક્ષકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વિગતવાર વાત કરીએ તો, રાજકોટ શહેરમાં આવેલી નવયુગ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે સાસણગીરનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. આ પ્રવાસ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાસણગીરના ‘ગીર ગેટવે’ નામના ખાનગી રિસોર્ટમાં રોકાયા હતા. ત્યારે ગઈકાલે બપોરના સમયે જ્યારે અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો જમવાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.

રમત-રમતમાં સર્જાયો કાળમુખો આંચકો

મળતી માહિતી મુજબ, બપોરના સમયે જ્યારે શિક્ષકો જમવા બેઠા હતા ત્યારે ધોરણ 8માં ભણતો 13 વર્ષીય હાર્દિક બારૈયા તેના અન્ય મિત્રો સાથે સ્વિમિંગ પૂલમાં મજા માણી રહ્યો હતો. મસ્તી અને આનંદના વાતાવરણ વચ્ચે અચાનક હાર્દિક પૂલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને ડૂબતો જોઈ આસપાસના લોકોએ બચાવ કામગીરી કરી તેને બહાર કાઢ્યો હતો.

બાદમાં વિદ્યાર્થીને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન જ તેણે દમ તોડ્યો હતો. જે બાદ ઘટનાની જાણ થતા જ મેંદરડા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, આ ઘટના એ તમામ વાલીઓ અને શાળા સંચાલકો માટે લાલબત્તી સમાન છે જેઓ બાળકોને પ્રવાસમાં મોકલે છે. સ્વિમિંગ પૂલ કે જળાશયો પાસે બાળકોની સુરક્ષા બાબતે સહેજ પણ બેદરકારી કેટલી ભારે પડી શકે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *