
રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગરોડ પર ટીલાળા ચોક નજીક નિર્માણાધીન બ્રિજનો સ્લેબ બેસી જતા બ્રિજની કામગીરીની ગુણવતાને લઈ સવાલ ઉઠ્યા છે. સોમવારે બ્રિજનો સ્લેબ બેસી ગયા બાદ કાટમાળ દૂર કરી દેવામાં આવ્યો છે. આ મામલે RUDA (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના CEOએ જણાવ્યું હતું કે, બ્રિજનો સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્લેબનો ભાગ બેસી ગયાની જાણ થતા અમારા દ્વારા જ કોન્ટ્રાક્ટરને સ્લેબ તોડી નાખવા સૂચના આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નવા 150 ફૂટ રિંગરોડ પર હાલ ફોરટ્રેકની કામગીરી ચાલી રહી છે. જેમાં ટીલાળા ચોક નજીક એક બેઠાપુલનું કામ ચાલી રહ્યું છે. સોમવારે પુલનો સ્લેબ ભરતી સમયે એક ગાળો બેસી ગયો હતો.બ્રિજને તોડી કાટમાળ દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. સદનસીબે જાનહાનિ થતા અટકી છે.
રાજકોટ રૂડાના CEO જી.વી.મીયાણીએ જણાવ્યું હતું કે, નવા 150 ફૂટ રોડ પર પુલનો સ્લેબ ધરાશાયી થયો છે. તેમાં હકીકત એવી છે કે, ગઈકાલે પૂલનું કામ ચાલુ હતું તે દરમ્યાન સ્લેબ નમી ગયો હતો. સ્થળ પર અમારા એન્જિનિયરે પહોંચી તાત્કાલિક અમને જાણ કરી હતી. જેથી સ્લેબ દૂર કરવા માટે મે સૂચના આપી હતી. જે અનુસંધાને આજે સ્લેબ દૂર કરવામાં આવી રહ્યો છે. કોઈ અઘટિત ઘટના બની નથી. સ્લેબનો ટોટલ વજન અંદાજિત 200 ટનનો હોઈ છે જેનો ટેકો સેટલ થતા સ્લેબ નમ્યો હતો. પૂલ નવો બનાવવા માટે કામ હાલ ચાલુ જ છે અને પુલ પણ બંધ છે. સ્લેબ દૂર કરવામાં લગભગ એક દિવસ જેટલો સમય લાગે છે. સ્લેબ દૂર થઇ જાય પછી ફરી પુલની આગળની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. રાજકોટ મનપા દ્વારા રીંગ રોડ-2ને ફોરટ્રેક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જામનગર હાઇવેથી સ્માર્ટ સીટી સુધી 26.13 કરોડ, સ્માર્ટ સીટીથી કટારીયા ચોક સુધી 39.67 કરોડ અને કટારીયા ચોકથી કણકોટ સુધીનો રસ્તો 27.50 કરોડના ખર્ચે ડેવલપ કરવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. પ્રથમ ટેન્ડરમાં 2.1 કિ.મી., બીજા ટેન્ડરમાં 3.9 કિ.મી. અને ત્રીજા ટેન્ડરમાં 2.79 કિ.મી.નું કામ કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે.