
સુરત શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ હાલ લાલ આંખ કરી રહી છે. દરરોજ સરેરાશ 2000થી 2500 જેટલા વાહનચાલકોને ટ્રાફિક નિયમ તોડવા બદલ ચલણ આપી રહી છે. પોલીસની આ આકરી ડ્રાઈવ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે, જેમાં ટ્રાફિકના નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ‘રવિ ફાઈટર’ નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાઇરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સફેદ રંગની થાર ગાડી રસ્તા પર જઈ રહી છે અને તેની પાછળ અંદાજે 30થી 40 જેટલા યુવાનો એક્ટિવા અને બાઈક લઈને સવાર છે. આટલી મોટી સંખ્યામાં હોવા છતાં, ટોળામાં રહેલા એક પણ યુવાને હેલ્મેટ પહેરવાની તસ્દી લીધી નથી, જે ટ્રાફિક પોલીસની કામગીરીને જાહેરમાં પડકાર ફેંકી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી જાહેરનામાનો ભંગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. અગાઉ ABVPના સભ્યો દ્વારા નિયમોનું ઉલ્લંઘન હોય કે ડુમ્મસ રોડ પર ઉદ્યોગપતિ દિપક ઇજારદાર દ્વારા વચલા રસ્તે જન્મદિવસની ઉજવણી, આવી ઘટનાઓ સુરત પોલીસની છબી ખરડી રહી છે. આ વાઇરલ વીડિયો પણ તે જ શ્રેણીનો એક ભાગ હોય તેમ લાગે છે, જેમાં નિયમોને નેવે મૂકીને યુવાનો રસ્તા પર નીકળી પડ્યા છે. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ટ્રાફિક વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ટ્રાફિક વિભાગના એસીપી એસ. આર. ટંડેલે આ બાબતે ગંભીરતા દર્શાવતા જણાવ્યું હતું કે, આ વીડિયો ક્યાં સમયનો છે અને તેમાં દેખાતા શખ્સો કોણ છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજ અને વાહનોના નંબરના આધારે આ તમામ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સામાન્ય નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે એકલ-દોકલ વાહનચાલક હેલ્મેટ વગર હોય તો પોલીસ તાત્કાલિક દંડ ફટકારે છે, પરંતુ આવા ટોળાઓ સામે પોલીસ કેમ નરમ પડે છે? સુરત પોલીસ આ વીડિયોમાં દેખાતા તમામ યુવાનો સામે દાખલારૂપ કાર્યવાહી કરે તેવી લોકમાગ ઉઠી રહી છે.