આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતેથી ટાઈપ-૧ ડાયાબીટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે
ટાઈપ-૧ ડાયાબીટીસ ધરાવતા બાળકો માટેના આ વિશેષ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ તમામ દર્દીઓને નિ:શુલ્ક ઇન્સ્યુલિન અને સારવાર મળશે

રાજ્યના બાળકો અને તરુણોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલ તા. ૨૪ ડિસેમ્બર,૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતેથી “ટાઈપ-૧ ડાયાબીટીસ (જુવેનાઈલ ડાયાબીટીસ) નિયંત્રણ કાર્યક્રમ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ટાઈપ-૧ ડાયાબીટીસ ધરાવતા તમામ દર્દીઓને વહેલું નિદાન, સચોટ સારવાર અને લાંબાગાળાની સંભાળ પૂરી પાડી તેમને કોમ્પ્લીકેશન મુક્ત અને ગુણવત્તાસભર જીવન આપવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટાઈપ-૧ ડાયાબીટીસ એ લાઈફસ્ટાઈલ સંબંધિત નહીં પરંતુ એક ઓટો ઇમ્યુન અને બિનચેપી રોગ છે. આ રોગમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી, તેથી દર્દીએ જીવનભર ઇન્સ્યુલિન લેવું અનિવાર્ય થઇ જાય છે.