મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે કૃષિ વિકાસ દરમાં દેશના અગ્રીમ હરોળના રાજ્યોમાં સ્થાન મેળવ્યું: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
ખેડૂત એ રાષ્ટ્રની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને ગુજરાતનો ખેડૂત આજે આધુનિક ટેકનોલોજીના સથવારે વૈશ્વિક સ્તરે પ્રગતિ કરી રહ્યો છે: કૃષિ મંત્રીશ્રી
* દિવસે વીજળી પૂરી પાડતી ‘કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ રાજ્યના ૧૭,૦૦૦થી વધુ ગામોને આવરી લેવાયા
* રાજ્યમાં ‘સૌની યોજના’ અને ‘સુજલામ સુફલામ યોજના’ના પરિણામે ખેતીલાયક જમીનમાં ધરખમ વધારો થયો
* રાજ્યના ૨૭ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

આજે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ નિમિત્તે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ ધરતીપુત્રોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ખેડૂત એ રાષ્ટ્રની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને ગુજરાતનો ખેડૂત આજે આધુનિક ટેકનોલોજીના સથવારે વૈશ્વિક સ્તરે પ્રગતિ કરી રહ્યો છે.
શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી, ત્યારે તેમણે ‘કૃષિ મહોત્સવ’ના માધ્યમથી ખેતી અને ખેડૂતને નવી દિશા આપી હતી. તેમણે શરૂ કરેલા ખેડૂત હિતલક્ષી અભિગમોના પરિણામે છેલ્લા બે દાયકામાં ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ અને આત્મનિર્ભર બન્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે કરેલા પરિણામલક્ષી પ્રયાસોથી ગુજરાત કૃષિ વિકાસ દરમાં દેશના અગ્રેસર રાજ્યોમાં સ્થાન પામ્યું છે.
કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે અને ખેડૂતોને જરૂરી કૃષિલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં પણ ગુજરાત દેશમાં અન્ય રાજ્યો માટે પ્રેરણા બન્યું છે. રાજ્ય સરકારે ખેડૂતોને રાત્રે ખેતરમાં જવાની મુસીબતમાંથી મુક્તિ અપાવવા માટે દિવસે વીજળી પૂરી પાડતી ‘કિસાન સૂર્યોદય યોજના’ અમલમાં મૂકીને ૧૭,૦૦૦થી વધુ ગામોને તેના હેઠળ આવરી લીધા છે.
આટલું જ નહીં, રાજ્ય સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં ‘સૌની યોજના’ અને ‘સુજલામ સુફલામ યોજના’ અમલમાં મૂકીને દરેક ખેતર સુધી પૂરતું સિંચાઈનું પાણી પહોંચાડ્યું છે, જેના માધ્યમથી પાણીની સમસ્યાનો કાયમી હલ આવ્યો છે અને રાજ્યમાં ખેતીલાયક જમીનમાં પણ ધરખમ વધારો થયો છે. વીજળી અને પાણી બાદ જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યના ૨૭ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. ગુજરાત સરકારે ગાય આધારિત ખેતી માટે સહાય પૂરી પાડીને ‘કેમિકલ મુક્ત ખેતી’ તરફ મક્કમ ડગ માંડ્યા છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવા અને ખેતીમાં અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભરી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ટ્રેક્ટર સહિતની કૃષિ મશીનરી તથા વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં મોટી સહાય આપીને રાજ્ય સરકારે ખેડૂતોને અદ્યતન ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ખેડૂતો ઘરે બેઠા આ યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે ‘આઈ-ખેડૂત’ (i-Khedut) પોર્ટલના માધ્યમથી સાધન સહાય અને અન્ય યોજનાઓના લાભો સીધા ખેડૂતોના બેંક ખાતામાં (DBT) ટ્રાન્સફર કરવામાં આવે છે, જે પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ છે.
વીજળી, પાણી, અદ્યતન ખેત મશીનરી અને જમીનની સ્વાસ્થ્ય જાળવણી બાદ ખેડૂતોની ઉપજના તેમને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ ખેત ઉત્પાદનોના ટેકાના ભાવ (MSP) જાહેર કરીને તેની ખરીદી પણ કરવામાં આવે છે, જેથી કોઈપણ ખેડૂતને ઓછા બજાર ભાવ હોય તેવી સ્થિતિમાં પોતાની ઉપજ ખોટ ખાઈને વેચવી ન પડે. આ ઉપરાંત, અણધારી કુદરતી આફતના સમયે થતા પાક નુકસાન સામે રક્ષણ આપવા રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કરીને ખેડૂતોને આર્થિક ટેકો આપવામાં આવે છે, જેથી નુકસાનગ્રસ્ત ખેડૂત ફરી બેઠો થઈને ખેતી કરી શકે.
કૃષિ મંત્રીશ્રીએ અંતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોના સર્વાંગી કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને આગામી સમયમાં નેનો ટેકનોલોજી તેમજ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખેતીના ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો કરવાનું અમારું લક્ષ્ય છે.