
ગત ઓક્ટોબરમાં મંત્રી મંડળમાં મોટો ઊલટફેર કરીને વિસ્તરણ કરવામાં આવ્યું હતું, એ જ રીતે બ્યૂરોક્રેસીમાં મોટી ઉથલ-પાથલ કરી 26 IAS અધિકારીની ટ્રાન્સફર કરવામાં આવી છે. જેમાં ટીમ એમકે દાસ બનાવાઈ છે. સંજીવ કુમારની CMOમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ છે. જ્યારે ડો.વિક્રાંત પાંડેને CMના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી અને અજય કુમારને સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. સંજીવ કુમારને વન-પર્યાવરણના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ટ્રાન્સફર કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવ્યા છે. આ ઉપરાંત સંજીવ કુમાર પાસે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો પણ રહેશે. આમ તેઓ મુખ્ય સચિવ એમ.કે.દાસને રિલિવ કરશે.
સંજીવ કુમાર, IAS ગુજરાત કેડરના 1998 બેચના અનુભવી વરિષ્ઠ અધિકારી છે. તેઓ હાલમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ તરીકે મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. IIT ખડગપુરથી B.Tech (Honours) અને અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીની હ્યુબર્ટ એચ. હમ્ફ્રી સ્કૂલથી Master of Public Affairs જેવી ઉચ્ચ શિક્ષણ પૃષ્ઠભૂમિ ધરાવતા સંજીવ કુમારને શાસન, નીતિ નિર્માણ અને જાહેર પ્રશાસનમાં વિશાળ અનુભવ છે. તેમની લગભગ 27 વર્ષથી વધુની સરકારી સેવા દરમિયાન તેમણે નાણાં, પંચાયત અને ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, યોજના અને પર્યાવરણ જેવા વિવિધ મહત્વના વિભાગોમાં સેવા આપી છે. સાથે જ તેઓ અનેક રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs)ના બોર્ડમાં ડિરેક્ટર તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને પ્રશાસકીય સુધારાઓ માટે તેઓ ગુજરાત સરકારમાં એક કુશળ, નીતિપ્રધાન અને વિશ્વસનીય અધિકારી તરીકે ઓળખાય છે.
ડો. વિક્રાંત પાંડે, IAS ગુજરાત કેડરના 2005 બેચના અનુભવી અધિકારી છે. તેઓ મૂળ વ્યવસાયે ડોક્ટર છે અને MBBS પૂર્ણ કર્યા બાદ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને ભારતીય પ્રશાસકીય સેવામાં જોડાયા હતા. IAS તરીકે તેમની કારકિર્દી દરમિયાન તેમણે ગુજરાતના રાજકોટ, ભરુચ, વલસાડ અને અમદાવાદ જેવા મહત્વના જિલ્લાઓમાં કલેક્ટર તરીકે સેવા આપી છે. ડો.વિક્રાંત પાંડેએ વિકાસકાર્યો, વહીવટ અને જનસેવામાં તેમની કાર્યક્ષમતા માટે તેઓ ઓળખાયા. ત્યારબાદ તેમને કેન્દ્ર સરકારમાં ગૃહ મંત્રાલય હેઠળ ઇન્ટર-સ્ટેટ કાઉન્સિલ સચિવાલયમાં ડાયરેક્ટર તરીકે કામગીરી કરવાની તક મળી અને ગુજરાત ભવન, નવી દિલ્હી ખાતે રેસિડેન્ટ કમિશનર તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી. હાલ તેઓ ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંકળાયેલી મહત્વની ભૂમિકામાં કાર્યરત છે. ડોક્ટરથી ઉચ્ચ પ્રશાસક સુધીની તેમની સફર રહી છે.