
અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી ‘ડેઇલી સ્ટે’ હોટલમાં એક પ્રેમી યુગલે 17 ડિસેમ્બરે હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં યુવકનું મોત થયું છે જ્યારે યુવતીનો બચાવ થયો છે. આ કેસમાં કિશોરીની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતી સગીર વયની છે. અગાઉ કાકા-ભત્રીજીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે બે વખત ગયા પણ હતા, પરંતુ વાહનોની સતત અવરજવર હોવાથી વિચાર પડતો મૂકયો હતો. તેના બીજા દિવસે જ સવારે હોટલમાં હાથમાં બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદની ડેઇલી સ્ટે હોટલમાં 16મી ડિસેમ્બરના રોજ રાત્રિના નવેક વાગ્યે એક યુવક-યુવતીએ રાત્રિ રોકાણ માટે રૂમ નં.305 ભાડે રાખ્યો હતો. સવારે 10 વાગ્યે ચેકઆઉટ કરવાનું હતું, પરંતુ ચેકઆઉટનો સમય થયો છતાં રૂમ ખાલી નહીં કરતાં મેનેજરે રૂમનો ડોરબેલ વગાડયો હતો, પરંતુ રૂમમાંથી કોઇ જવાબ આવ્યો ન હતો. ફરીથી 10 મિનિટ પછી ડોરબેલ વગાડતાં કોઇ જવાબ મળ્યો ન હતો. જેથી પોતાના લેન્ડ લાઇન ફોનથી રૂમ નં. 305ના લેન્ડ લાઇનમાં ફોન કર્યો હતો, પરંતુ નો રિપ્લાય આવતાં હોટલ રજિસ્ટરમાં નોંધાયેલાં યુવકના મોબાઇલ ફોન પર ફોન કર્યો હતો. પરંતુ તે ફોન બંધ હોવાથી મેનેજરે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેના પગલે એરપોર્ટ પોલીસ હોટલ પર દોડી આવી હતી અને પોલીસની હાજરીમાં રૂમ નં. 305 બીજી ચાવીથી ખોલવામાં આવ્યો હતો. બાદમાં જોયું તો યુવક-યુવતી બંને બેડ પર પડયાં હતા. બંનેના હાથમાંથી લોહી નીકળતું હતું. જેથી 108ને જાણ કરવામાં આવી હતી. 108ના સ્ટાફે આવીને તપાસતાં યુવક મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જયારે યુવતી બેભાન હોવાથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. એરપોર્ટ પોલીસ મથકના સેકન્ડ પી.આઇ. ડિમ્પલબેન પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.એ. મકવાણાએ આ અંગેની તપાસ હાથ ધરી હતી. જેના ભાગરૂપે કિશોરીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં કિશોરીની ઉંમર 17 વર્ષ 4 મહિના હોવાનું જાણવા મળ્યું હતું. તેણીના કાકા પરિણીત હતા અને તેમના બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા. બંને વચ્ચે ચાર મહિનાથી પ્રેમ સંબંધ હતો.