ખેત-તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવા ખેડૂતો માટે
જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઓનલાઈન ડ્રો કરાયો
****
૧૩ જિલ્લાના ૪૦ તાલુકાના ૧૮૫ જેટલા ખેડૂતો લાભાવિન્ત
****

રાજ્યના જે ખેડૂતો પોતાના ખેતરમાં વરસાદના પાણીનો સંપૂર્ણપણે ઉપયોગ કરવા માંગતા હોય તેવા ખેડૂતો માટે રાજ્ય સરકારે જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ઓનલાઈન ડ્રો કરીને વિવિધ જિલ્લાના ૧૮૫ જેટલા ખેડૂતોને લાભાવિન્ત કર્યા હતાં.
આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “પર ડ્રોપ મોર ક્રોપ”ના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના ખેડૂતો વરસાદનું પાણી વેડફાઈ ન જાય અને આ પાણીનો સંપૂર્ણ ઉપયોગ સિંચાઈની સુવિધા માટે કરી શકે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા ખેત-તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવે છે. જેનો રાજ્યના ૧૩ જિલ્લાના ૪૦ તાલુકાઓના ૧૮૫ ખેડૂતોને લાભ આપવા માટે આજે પારદર્શી રીતે ઓનલાઈન ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા માટે તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૧૦ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં કુલ ૨૩૧ અરજીઓ મળી હતી. આ અરજીઓની ચકાસણી કરતા ૧૮૫ અરજીઓ મંજૂર કરીને ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાથી આશરે ૧૦૦ કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે જેના થકી ૧૦૦ હેકટર વિસ્તારને વરસાદી પાણીથી સિંચાઈનો લાભ થશે. આ ઉપરાંત ભૂગર્ભ જળનું વપરાશ ઘટતાં આ વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થશે.