
નવા વર્ષની ઉજવણીના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવએ નશાખોરો અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. ગાંધીનગર રેન્જમાં આવતા ચારેય જિલ્લાઓ એટલે કે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં ખાસ પ્રોહિબિશન ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને રાજસ્થાન સરહદને જોડતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ચેકપોસ્ટો પર સઘન નાકાબંધી કરવામાં આવી છે, જ્યાં દરેક નાના-મોટા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી રાજ્યમાં દારૂ કે ડ્રગ્સ જેવા નશીલા પદાર્થો ઘૂસી ન શકે. આ અંગે રેન્જ આઈજીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, ચારેય જિલ્લાઓમાં જે પણ સ્થળોએ થર્ટી ફર્સ્ટનું આયોજન થવાનું છે, ત્યાં શરતોને આધીન જ મંજૂરી અપાશે. પોલીસ દ્વારા તમામ સ્થળોની આગોતરી ચકાસણી કરવામાં આવશે.
આ વખતે પણ પોલીસ હાઈટેક સાધનો જેવા કે બ્રેથ એનાલાઈઝર અને નાર્કો કિટ્સથી સજ્જ હશે, જેના દ્વારા દારૂ કે ડ્રગ્સનું સેવન કરનાર વ્યક્તિને તુરંત ઝડપી લેવામાં આવશે. આ ઉપરાંત મહેસાણા અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં આવેલા ફાર્મહાઉસોમાં યોજાતી ખાનગી પાર્ટીઓ પર બાજ નજર રાખવા માટે પોલીસની સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે ચારેય જિલ્લાઓમાં ‘શી ટીમ’ને એક્ટિવ કરવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે, ઉજવણીના સ્થળોએ પોલીસ જવાનો ગણવેશના બદલે ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે, જેથી સામાન્ય નાગરિકો શાંતિથી ઉત્સવ મનાવી શકે અને ખલેલ પહોંચાડનારા તત્વોને રંગેહાથ પકડી શકાય. જ્યારે હાઈવે પેટ્રોલિંગથી લઈને શહેરની ગલીઓ સુધી પોલીસનું નેટવર્ક મજબૂત કરવામાં આવ્યું છે અને પીધેલી હાલતમાં ફરતા કે કાયદાનું ઉલ્લંઘન કરતા શખ્સો સામે તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે.