
નવા વર્ષની ઉજવણીના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ વચ્ચે આજે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની કચેરીના વિશાળ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં ભવ્ય સેરિમોનિયલ પરેડ અને વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને જવાનોએ પોતાની શિસ્ત અને શારીરિક સજ્જતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સેરિમોનિયલ પરેડ બાદ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ પોલીસ સ્ટેશનોના જવાનો દ્વારા અનેક ઇવેન્ટ્સ રજૂ કરવામાં આવી હતી. જેમાં સ્કવોર્ડ ડ્રીલ, રાયફલ પીટી, લાઠી ડ્રીલ અને યોગાસન જેવી શારીરિક કવાયતો મુખ્ય હતી. ખાસ કરીને, અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા પથ્થરમારો અને તોફાનોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ અને ફાયરિંગ સાથેની ‘દંગલ મોકડ્રિલ’ યોજવામાં આવી હતી. આ ઉપરાંત આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા અને નાકાબંધી તોડીને ભાગતા ગુનેગારોને હથિયારો સાથે ઝડપી પાડવાનું દિલધડક ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. ઘોડેશ્વાર પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા ગુનાશોધક પ્રવૃત્તિઓના જીવંત નિદર્શન જોઈ ઉપસ્થિત સૌ પ્રભાવિત થયા હતા. આ અવસરે રેન્જ આઈજીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી અને ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ટીમોને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. પરેડ બાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પ્રશ્નો સાંભળવા માટે ‘સંવાદ’ અને જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે ‘લોકદરબાર’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે રેન્જ આઈજીએ પોલીસ અધિકારીઓ અને જવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, સેરિમોનિયલ પરેડ એ માત્ર શિસ્તનું પ્રતીક નથી પરંતુ તે જનતામાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનું માધ્યમ પણ છે. ખાસ કરીને જ્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણી નજીક છે, ત્યારે પોલીસ દળ કોઈપણ પડકારને પહોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ છે. આ તકે તેમણે ઉત્કૃષ્ટ સેવા બજાવનારા પોલીસ કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા જાળવી રાખવા પ્રેરણા આપી હતી. જ્યારે રેન્જ આઈજીએ ગાંધીનગર રેન્જ હેઠળ આવતા ચારેય જિલ્લાઓ—ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને કડક સૂચનાઓ આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે સરહદો પર સઘન ચેકિંગ શરૂ કરી દેવાયું છે. ફાર્મહાઉસની પાર્ટીઓ પર ખાનગી ડ્રેસમાં પોલીસ નજર રાખશે અને ડ્રગ્સ કે દારૂનું સેવન કરનારાઓને બ્રેથ એનાલાઈઝર અને નાર્કો કિટ્સ દ્વારા ઝડપી પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી સહિત એલ.સી.બી., એસ.ઓ.જી. અને વિવિધ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ શક્તિપ્રદર્શન દ્વારા પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે નવા વર્ષની ઉજવણીમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં.