નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ.): દૂષિત પીવાના પાણીના સેવનને કારણે ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડ ફાટી નીકળવાના અહેવાલોની, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) એ સ્વતઃ નોંધ લીધી છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) એ, બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ માંગતી નોટિસ જારી કરી છે.
માનવ અધિકાર પંચ દ્વારા ગુરુવારે જારી કરાયેલા એક પ્રકાશન મુજબ, મીડિયા અહેવાલોમાં ખુલાસો થયો છે કે, શહેરમાં તાજેતરમાં નાખેલી પાણીની પાઇપલાઇનોમાં અસંખ્ય લીકેજને કારણે ગટર પીવાના પાણીમાં ભળી રહી છે, જેના કારણે ટાઇફોઇડના કેસોમાં વધારો થયો છે.
રાજ્યના આરોગ્ય વિભાગે, શહેરના ચોક્કસ વિસ્તારમાં 70 સક્રિય કેસની પુષ્ટિ કરી છે, જેમાં મોટાભાગના બાળકો છે.
પંચે મુખ્ય સચિવને ટાઇફોઇડના દર્દીઓની વર્તમાન આરોગ્ય સ્થિતિ અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે લેવામાં આવેલા પગલાં અંગે બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.