“મારું ગામ કોરોના મુકત ગામ અભિયાન” અંતર્ગત લોકભાગીદારીથી સ્વૈચ્છિક સંસ્થાઓ અને ગ્રામ્ય સ્તરે ચાલતા ૧૫,૦૦૦ કરતા વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ખાતે આયુષ મંત્રાલયની રિસર્ચ દવા આયુષ-૬૪ થકી કોરોનાની સારવાર આપવામાં આવી હતી. આ આયુષ-૬૪ દવાથી ૫,૦૦૦ કરતાં વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, તંદુરસ્ત થયા છે તેમ આયુષ નિયામકશ્રીએ જણાવ્યું છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન શરૂઆતમાં સંક્રમણ શહેરી વિસ્તાર પૂરતું સીમિત હતું, પરંતુ પાછળથી ગામડાઓમાં પણ લોકો સંકમિત થવા લાગતા સંક્રમણને આગળ વધતુ અટકાવવા રાજ્ય સરકારે અસરકારક પગલા ભર્યા હતા જેના પરિણામે થોડાક દિવસોમાં જ કોરોના પર નિયંત્રણ મેળવી શકાયું હતુ.
“મારું ગામ, કોરોના મુક્ત ગામ અભિયાન” અંતર્ગત કોરોના સંક્રમિત દર્દીઓને આઈસોલેશનમાં રાખવા અને પરિવારના અન્ય સભ્યો સંક્રમિત ન થાય તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાઈ હતી. આ અભિયાન અંતર્ગત આઈસોલેશનમાં રહેલ દર્દીઓને કોરોના સારવારની કીટ આપવામાં આવતી હતી. સાથે સાથે આયુષ વિભાગ દ્વારા પણ તેવા દર્દીઓને આયુષ-૬૪ દવા આપવામાં આવતી જેના ઘણા સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. આયુષ-૬૪ રીસર્ચ બેઝ દવા હોવાથી તેના થકી કોરોનાનાં દર્દીઓમાં સંક્રમણને વધતું અટકાવવાની અસરકારકતા જોવા મળી હતી.
કોવિડ અને પોસ્ટ કોવિડની સારવારમાં આયુષ-૬૪ દવાની અસરકારકતા હોવાથી ૧૪ થી ૨૧ દિવસ સુધી આ દવા આપવામાં આવે છે. આયુષ-૬૪ની સારવાર બાદ નાગરિકોને સકારાત્મક અનુભવ થઈ રહ્યા છે.