કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ અડાલજમાં યોજાયેલા વિશાળ “સમૈયા મહોત્સવ” ખાતે શિક્ષાપત્રીના ૨૦૦ વર્ષની ઉજવણી પૂર્ણાહુતી અવસરે ઉપસ્થિત રહ્યા: ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ ની અમુલ્ય છાપ ભેટ સ્વરૂપે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીને અર્પણ કરાઈ
શિક્ષાપત્રીઓનો ધ્યાનથી અભ્યાસ કરો,માત્ર ધર્મ કે ધ્યાન માટે નહીં તમારા જીવનને સુચારું બનાવવા ઉપયોગ કરો. શિક્ષાપત્રીમાં ધર્મ,જ્ઞાન ,વૈરાગ્ય, ભક્તિ અને વ્યવહારની વાતો છે – કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ
“સર્વજન હિતાય” એક વાક્યમાંજ શિક્ષાપત્રીના બધાજ શ્લોકોનો સાર છે.
વૃક્ષો વાવવ, શૂન્ય પ્લાસ્ટિક ઉપયોગ અને સૌરઊર્જાનો ઉપયોગ જેવા અભિયાનો આ મહા ઉત્સવ સાથે જોડી, હજારો લાખો લોકોને માનવ જીવન બચાવવા, પર્યાવરણ અને પૃથ્વીનું જતન કેટલું જરૂરી છે, તે સમજાવવા બદલ મહારાજ શ્રી નો આભાર વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી
શિક્ષાપત્રી ના ગુણો અપનાવવાની શરૂઆત જો ઘરથી થાય અને ઘરથી જ સંસ્કારોનું વાતાવરણ બંધાય ત્યારે જ શિક્ષાપત્રી નો સાચો ઉત્સવ ઉજવાય છે- મુખ્ય મહારાજ શ્રી કૌશલ્યપ્રસાદજી આચાર્યશ્રી
હરિભક્તો અને સંતોની ટીમવર્ક થી આવા સુંદર ધાર્મિક કાર્ય સફળ થતું હોવાનું જણાવી સમૈયોની સફળતાનો સંપૂર્ણ શ્રેય હરિભક્તો અને સંતોને આપતા શ્રી વ્રજેન્દ્ર પ્રસાદ (લાલજી) મહારાજશ્રી
હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ‘શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ’ (સમૈયો) ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શિક્ષાપત્રી લેખનના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વિશાળ ‘સમૈયો’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨૩ જાન્યુઆરીથી શરૂ થયેલા આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિ ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
પર્વ ગ્રાઉન્ડ, જમીયતપુરા, અડાલજ ચોકડી પાસે હજારોની સંખ્યામાં હરિભક્તો અને સંતો આ ઉત્સવમાં ભાગ લીધો હતો.જે અનુસંધાને આજે તા. ૨૭ જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સમૈયા મહોત્સવમાં સહભાગી થઈ તેમણે શિક્ષાપત્રી અને ભગવાન સ્વામિનારાયણના દર્શન- અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
સમૈયો ઉજવણીના પૂર્ણાહુતિ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે સ્વામિનારાયણ ભગવાન તથા ગાદીપતિ મહારાજશ્રીને ધન્યવાદ કરતા જણાવ્યું હતું કે, શિક્ષાપત્રીના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભવ્ય પ્રસંગે ઉપસ્થિત રહેવાનો જે અવસર મળે છે, તેના માટે ધન્યતાનો અનુભવ થયો છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ એ સમગ્ર વિશ્વ સહિત ગુજરાત પર અનેક ઉપકારો કર્યા છે. તેમણે દેશભરમાં પદયાત્રા કરી ગુજરાતને કર્મભૂમિ બનાવી એ આપણું સદભાગ્ય છે. ભૂતકાળમાં ખૂબ જ પ્રચલિત કુરિવાજો પૂર્ણ કરી, સાચા ધર્મ નો રસ્તો બતાવી ગુજરાતને સંગઠીત કરવાનું કાર્ય કર્યું છે. આવા અનેક યોગદાન વચ્ચે શિક્ષાપત્રી એ આપણા સૌ માટે આશીર્વાદરૂપ છે. જેમાં અનેક ધાર્મિક પુસ્તકો અને ધર્મનો નીચોડ માત્ર 200 શ્લોકોમાં સમાવી આપણને સ્વામિનારાયણ ભગવાને ધન્ય કર્યા છે. આ શિક્ષાપત્રી દ્વારા કેટલાય લોકોના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન આવ્યા છે, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે બ્રહ્મ સાથે આત્માના જોડવાની પ્રક્રિયા સરળ બનાવી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નારાયણ પાસે જવું હોય તો ગુરુની જરૂર પડે. એટલે જ આ શ્રી સ્વામિનારાયણ શબ્દ ભગવાને આપ્યો છે.અને ભગવાન શ્રી સ્વામિનારાયણ જે પ્રખર સનાતન સંત પરંપરાની સ્થાપના કરી, તે આજે પણ ખૂબ જ મજબૂત રીતે ધર્મના પંથે આગળ ચાલી રહી છે. અને ધર્મને સાચવી,જાળવી બચાવીને ધર્મને આગલી પેઢી સુધી પહોંચાડી રહી છે.
ભગવાન સ્વામિનારાયણ નો જન્મ ભલે યુપીમાં છપૈયામાં થયો હોય પરંતુ ગુજરાતને તેમણે કર્મભૂમિ બનાવી, એક પ્રકારે ગુજરાત ભગવાન સ્વામિનારાયણની તપોભૂમિ પણ છે, સમગ્ર દેશમાં વિચરણ કરી ગુરુ સાથે તેઓ ગુજરાતમાં સ્થાયી થયા અને સનાતન પરંપરા, સાંસ્કૃતિક ચેતના, સમાજમાં અનુશાસન, શિસ્તબદ્ધતા વગેરેનો મજબૂત સંદેશ સમાજને આપ્યો છે.
સાથે જ સમૈયો પ્રસંગની ઉજવણી અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, તા.૨૩ જાન્યુઆરીએ શિક્ષણપત્રીના ૨૦૦ વર્ષ પૂર્ણ થયા છે, જેની ઉજવણી પ્રસંગને બે પેઢી એ અદભુત બનાવી દીધો છે. સાથે જ ઉપસ્થિત સર્વ હરિભક્તોને ઉલ્લેખીને તેમણે જણાવ્યું હતું કે, શિક્ષાપત્રીઓનો ધ્યાનથી અભ્યાસ કરો,માત્ર ધર્મ કે ધ્યાન માટે નહીં તમારા જીવનને સુચારું બનાવવા ઉપયોગ કરીએ. શિક્ષાપત્રીમાં ધર્મ,જ્ઞાન ,વૈરાગ્ય, ભક્તિ અને વ્યવહારની વાત છે, જેમાં વ્યવહાર મુખ્ય છે.
લખાણ વગર કોઈને ધિરાણ આપવું નહીં, ઘરના પાછળના દરવાજા થી કોઈ દિવસ જવું નહીં. આ પ્રકારના વ્યવહારો જીવનમાં ઉપયોગી અનેક મુદ્દાઓ શિક્ષાપત્રીમાં આપવામાં આવ્યા છે. સાથે જ શિક્ષાપત્રી પર આધારિત પ્રદર્શનની અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, શિક્ષાપત્રી ચરિત્ર પર આધારિત પ્રદર્શનીમાં નવી પેઢીને પ્રેરણા સાથે શિક્ષણનો મર્મ સમજાવવાનો ધ્યેય સ્પષ્ટ જોવા મળે છે.ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ ભારપૂર્વક જણાવ્યું હતું કે,જીવનના નૈતિક સંવિધાનનો આધાર નક્કી કરવા હોય તો તે, શિક્ષાપત્રીમાં જ છે.
આપણા જીવનને સ્પષ્ટ દિશા આપવા સ્વામિનારાયણ ભગવાને આપણી સામે શિક્ષાપત્રી રૂપે નવી રાહ ચીંધી છે.જે “સર્વજન હિતાય” એક વાક્યમાંજ બધાજ શિક્ષાપત્રીના શ્લોકોનો સાર છે. આ ઉપરાંત વધુમાં વૃક્ષો વાવવ, શૂન્ય પ્લાસ્ટિક ઉપયોગ અને સૌરઊર્જાનો ઉપયોગ જેવા અભિયાનો આ મહા ઉત્સવ સાથે જોડી દઈ હજારો લાખો લોકોને માનવ જીવન બચાવવા પર્યાવરણ અને પૃથ્વીનું જતન કેટલું જરૂરી છે તે સમજાવવા બદલ પણ તેમણે મહારાજ શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.
તદુપરાંત ૨૦૦ વર્ષ પહેલાના સમયને યાદ કરતા કેન્દ્રીય મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, તે સમયના કુરિવાજો જેમ કે,દીકરીને દૂધ પીતી કરવી, દીકરીઓને શિક્ષા આપવી, પશુબલી નો વિરોધ, જાતીવાદ અને છૂત અને અછૂત વગેરેને વર્ષો પહેલા દૂર કરવા સ્વામિનારાયણ ભગવાને વિચરણ કરી પ્રચાર કર્યો હતો.
ISO અને SOની સ્થાપના પછી આ મંદિરોની શૃંખલાએ સત્સંગ વધાર્યો છે. વિદેશમાં વસતા સૌ સનાતની અનુયાયીઓ માટે સ્વામિનારાયણ સંપ્રદાય વિશેષ પ્રયત્ન કર્ય છે.
આ સાથે જ વડાપ્રધાન શ્રીની વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, વર્ષોથી અને વર્ષો સુધી સનાતન ધર્મના અનુયાયો રાહ જોતા હતા કે એક એવી સત્તા આવે છે સનાતન ધર્મનો આદર કરે, અને વર્ષો પછી રામજી મંદિરની સ્થાપના આવા અનુયાયીઓની પ્રતીક્ષા નો સફળ અંત બની. ઉપરાંત આર્ટીકલ ૩૭૦ હટાવવાની વાત હોય કે પછી કોમન સિવિલ કોડ ની શરૂઆત હોય અથવા યોગ, આયુર્વેદ, ગૌસેવા અને અનેક ધર્મસ સ્થાનોના ઉદ્ધારની વાત હોય તે મજબૂત નેતૃત્વમાં હાથ ધરાઈ છે. આ સાથે જ તેમણે ગૌરવભેર અને વિશ્વાસ સાથે ઉમેર્યું હતું કે, કોઈપણ સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ થાય એવું શાસન આ દેશમાં હવે ફરી ક્યારેય નહીં આવે.
વર્તમાન ગાદીપતિ તથા સ્વામિનારાયણ મંદિરના મુખ્ય મહારાજ શ્રી કૌશલ્યપ્રસાદજી આચાર્યશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોદન કરતા, શિક્ષાપત્રીમાં દર્શાવેલા ગુણોની શરૂઆત આપણા ઘરથી કરવી પડશે, તેમ જણાવતા ઉમેર્યુ હતુ કે, કોઈ પણ જીવનું હ્રદય આપણા થકી દુઃખી ન થાય તે ખૂબ જ જરૂરી છે. શિક્ષાપત્રી ના ગુણો અપનાવવાની શરૂઆત જો ઘરથી થાય અને ઘરથી જ સંસ્કારોનું વાતાવરણ બંધાય ત્યારે જ શિક્ષાપત્રી નો સાચો ઉત્સવ ઉજવાય છે સાથે જ તેમણે ભારપૂર્વક એમ પણ કહ્યું હતું કે જો આપણામાં સંસ્કારો રહેશે તો આપણી સુરક્ષા હંમેશા મજબૂત રહેશે.
આ પ્રસંગે શ્રી વ્રજેન્દ્ર પ્રસાદ (લાલજી) મહારાજશ્રીએ શાબ્દિક સ્વાગત સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમૈયો ઉજવણી અંતર્ગત ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી અને જોત જોતામાં આજે સમય વીતી ગયો ખબર ન પડી.
હરિભક્તો અને સંતોની ટીમવર્ક થી આવા સુંદર ધાર્મિક કાર્ય સફળ થતું હોવાનું જણાવી તેમણે સમૈયોનો સંપૂર્ણ શ્રેય હરિભક્તો અને સંતોને આપ્યો હતો.
આ સાથે જ પર્યાવરણ બચાવવાના ધ્યેય સાથે ધર્મ સાથે પર્યાવરણની રક્ષા ને લક્ષમાં રાખી આ સમગ્ર ડોમની વીજ વ્યવસ્થા સોલાર પ્લાન્ટ થકી સૌર ઉર્જાથી કરવામાં આવી હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, પર્યાવરણ માટે વૃક્ષો પણ ખૂબ જ જરૂરી છે, અને એટલે જ પર્યાવરણ જાળવણી માટે અમદાવાદ કાલુપુર મંદિરથી પાંચ લાખ વૃક્ષો વાવવાની આવતીકાલથીજ શુભ શરૂઆત કરવામાં આવશે. ઉપરાંત ૨૦૦ દિવસ સુધી ૨૦૦ લોકોને જમાડવાના ધ્યેથી શરૂ થયેલ પ્રણ હવે, વધુ વ્યાપક બનતા કાલુપુર મંદિરથી આ સેવા આવતીકાલથી એટલે કે 28 જાન્યુઆરીથી કાયમી ધોરણે ચાલુ કરવામાં આવશે.
શ્રી વ્રજેન્દ્ર પ્રસાદ લાલજી મહારાજ શ્રી એ કરેલા આ અદભુત આયોજન બદલ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ તેમને જાહેર મંચથી સન્માનિત કર્યા હતા.
આ મહોત્સવ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત વિવિધ સ્વામિનારાયણ સંસ્થાનોના સાધુ સંતો તથા હરિભક્તો વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.



