વડોદરા લાંચ માગવાનો વીડિયો વાઈરલ થયા બાદ PSI સસ્પેન્ડ

Spread the love

 

વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન PSI એન.એન. ઝવેરીનો કથિત લાંચની માગણી કરતો અને સ્વીકારતો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી હતી. આ મામલે વડોદરા ટ્રાફિક પોલીસના PSI એન. એન. ઝવેરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ મામલાની તપાસ ACP એ ડિવિઝનને સોંપવામાં આવી છે. આ વીડિયો એક વર્ષ પહેલાનો હોવાનું સામે આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનરે વીડિયોને લઈને ગઈકાલે તપાસનો આદેશ આપ્યા હતા. 14 જાન્યુઆરી- 2025ના રોજ મુસ્તફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમભાઈ ખાટકી અને અકબર સહિતના લોકો વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તે સમયે PSIએ પૈસા માગ્યા હોવાનો કથિત વીડિયો હવે એક વર્ષ બાદ વાયરલ થયો છે. ઓક્ટોબર – 2025માં The Prevention of Cruelty to Animals Actનો ગુનો તેની સામે દાખલ થયો હતો. ત્યારબાદ એક મહિના પહેલા જ તેની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ ઇનાયતે આ વીડિયો વાયરલ કરી પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.

ઇનાયત: મારી જુબાન પર ભરોસો રાખો, અમારી મજબૂરી છે.
PSI: અકબરીના છોકરાને કહું તો હમણાં 50 હજાર રૂપિયા આપી દેશે, તમારી ગાડી બરાબર ચાલે છે, તું કરોડપતિ હોય તો પણ મને શું?. હું 50 બોલું છું, પછી મેં 40 કરી આપ એમ કહ્યું હતું. 25 અત્યારે આપજે, 15 પછી આપી દેજે.
ઇનાયત: સાહેબ મારી પોઝીશન નથી
PSI: સારું ચલ, અત્યારે 20 આપી દે, પછી 20 આપી દેજે.
ઇનાયત: મંજુર છે સાહેબ.
પૈસા સ્વીકારતા વીડિયોના મુખ્ય અંશ
પૈસા આપતી વ્યક્તિ: પૈસા ગણી લેજો.
PSI: તું મારો માણસ છે મને તારા પર ભરોસો છે, પણ મારી ડિમાન્ડ બદલાશે નહીં.
પૈસા આપતી વ્યક્તિ: ઓરતો લઈને આવીશ, 20 હજાર આપી દઈશ.

ગુલામ મુસ્તફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમભાઈ ખાટકીએ જણાવ્યું હતું કે, ગત 14 જાન્યુઆરીએ પોલીસવાળાઓએ મારી સામે ખોટી રીતે કેસ કરીને મને ફસાવ્યો હતો. જે લોકો દારૂ અને પેટ્રોલના ગેરકાયદેસર ધંધા કરે છે, તેમની સાથે પોલીસની મિલીભગત છે. એ સમયે પોલીસે મને ધમકી આપી હતી કે, તને અહીં રહેવા નહીં દઈએ અને તને ખોટા કેસમાં ફસાવીશું. આ ઉપરાંત 19 ઓક્ટોબરે મારા પર ખોટો કેસ કરવામાં આવ્યો. તેઓ ક્યાંકથી ગાયનું લોહી લઈ આવ્યા અને મારા કપડાં પર લગાવી મને ફસાવ્યો હતો. મારી આસપાસ રહેતા તમામ હિન્દુ ભાઈઓને તમે પૂછી શકો છો કે, હું કેવો માણસ છું. હું તો એક નાની દુકાન ચલાવીને મારું ગુજરાન ચલાવું છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ મારા એ દિવસના કપડાં છે, જ્યારે પોલીસે રેડ પાડી હતી. મારી સ્પષ્ટ માગ છે કે, આ કપડાંનો FSL રિપોર્ટ કરાવવામાં આવે. જો તેમાં ગાયનું લોહી સાબિત થાય તો મને ભલે ફાંસીએ ચડાવી દેવામાં આવે. હકીકતમાં, એ મારા પાડા કાપતી વખતે ઉડેલું લોહી છે. મને જાણીજોઈને ગુંડા તરીકે ચીતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, આ 4થી 5 પોલીસવાળા મને હેરાન કરી રહ્યા છે અને અહીંથી કાઢી મૂકવા માંગે છે. તેઓ કોઈના ઈશારે મને સતત ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી રહ્યા છે. મેં અત્યાર સુધીમાં લગભગ 20થી 25 અરજીઓ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. મારી પાસે પેનડ્રાઈવમાં પોલીસના વહીવટના અને અન્ય તમામ પુરાવાઓ છે. હું ગમે ત્યારે આ પુરાવા રજૂ કરવા તૈયાર છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *