
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં 3 મિત્રો દ્વારા દારૂની મહેફિલ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયો લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો અને ગોત્રી પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વીડિયોમાં દેખાતા 3 શખસની ઓળખ થઈ હતી અને ત્રણેયની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં કાન પકડીને માફી માગી હતી અને ફરી આવુ ન કરવા પણ જાણાવ્યું હતું. વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોમાં 3 લોકો વિદેશી દારૂની બોટલો સાથે એક રૂમમાં પાર્ટી કરતા હતા અને બોલિવૂડ સોંગ પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. ગુજરાતમાં કડક દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં આવી બેફામ નશાખોરીના દૃશ્યો જોવા મળ્યા હતા. એક શખસ તો માથે બોટલ મૂકીને નાચતો જોવા મળ્યો હતો અને તે હાથમાં દારૂ લઈને પી રહ્યો હતો. વાઇરલ વીડિયોની જાણ થતાં જ ગોત્રી પોલીસે વીડિયોમાં દેખાયેલા વ્યક્તિઓની ઓળખ કરી હતી અને ગણતરીના કલાકોમાં 3 આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્રણેય સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ પોલીસ સ્ટેશનમાં કાન પકડીને કહે છે કે, દારૂની મહેફિલનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એ માટે અમે માફી માગીએ છીએ. હવે આવું ક્યારેય નહીં કરીએ.
પકડાયેલા આરોપીઓના નામઃ
મનોજભાઈ ભીખાભાઈ ભાવસાર (ઉં.વ.63, રહેવાસી: બ્લોક નં. 1, મકાન નં.5, વી.એમ.સી. વુડા, ગોત્રી, વડોદરા)
રમેશકુમાર શ્રીરામ સિયાક (ઉં.વ.32, રહેવાસી: બ્લોક નં. 1/10, વી.એમ.સી. વુડા ક્વાર્ટર્સ, ગોત્રી, વડોદરા)
દિપક ગોવિંદભાઈ અગ્રવાલ (ઉં.વ.40) રહેવાસી: બ્લોક નં. 1/1, વી.એમ.સી. વુડા ક્વાર્ટર્સ, ગોત્રી, વડોદરા)
વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને પોલીસને ચેલેન્જ
ઉલ્લેખનીય છે, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં આ પ્રકારે દારૂની મહેફીલ યોજાય રહી છે અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને પોલીસને જાણે ચેલેન્જ ફેંકતા હોય એવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માગ ઉઠી રહી છે.