
ગાંધીનગરના સુઘડમાં રહેતા સાંનિધ્ય બિલ્ડરના 25 વર્ષીય ઋષભ પટેલના આપઘાતકેસમાં ચાર આરોપી પૈકીના પકડાયેલા મહિપાલસિંહ રાઠોડના આજે રિમાન્ડ પૂરા થતાં તેને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો છે, જોકે રિમાન્ડ દરમિયાન તેણે વટાણા વેરી દેતાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર મનીષ સ્પ્લેન્ડરના આઇડીથી સટ્ટો રમાતો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ ઉપરાંત કલ્પેશ સાણંદનો તલાટી હોવાનું પણ સામે આવ્યું છે. ગાંધીનગરના જાણીતા બિલ્ડરના 25 વર્ષીય પુત્ર ઋષભ પટેલના આપઘાતપ્રકરણમાં દરરોજ નવા અને ચોંકાવનારા ફણગા ફૂટી રહ્યા છે. આ કેસમાં પકડાયેલા મહિપાલસિંહ રાઠોડે રિમાન્ડ દરમિયાન વટાણા વેરી દેતાં ઇન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે આ આત્મહત્યા પાછળ સટ્ટાબજારના લાખો રૂપિયાની ઉઘરાણી અને માનસિક ત્રાસ જવાબદાર હોવી જોઈએ. છેલ્લા દોઢ વર્ષથી ઋષભ પટેલ કોઈ કારણોસર તેના નાની સાથે રહેતો હતો. ઋષભની નાની એ જ સોસાયટીમાં રહે છે, જ્યાં મહિપાલસિંહ રાઠોડ રહે છે. મહિપાલસિંહના ફ્લેટની ઉપર ઋષભના નાની રહે છે, જેના લીધે મહિપાલ અને ઋષભ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આમ, ઋષભ મહિપાલના પાર્લર ઉપર બેસવા જતો હતો. આ દરમિયાન મનીષ સ્પ્લેન્ડર સહિતના આરોપીઓ સાથે તેની ઓળખાણ થઈ હતી.
બાદમાં બધા મિત્રો બની ગયા હતા. બીજી તરફ અઢી વર્ષ પહેલાં ઋષભની સગાઈ કુબેરનગર ખાતે રહેતી હેલી નામની યુવતી સાથે થઈ હતી. તેના પિતા કોર્પોરેશનમાં પાણીનાં મીટર રિપેરિંગ કરવાની કામગીરી કરી રહ્યા છે, જેઓ પહેલાં સબમર્સિબલનું કામ કરતા હતા, પરંતુ હૃદયની બીમારીના લીધે ડોક્ટરોએ હેવી કામ કરવાની ના પાડી હોવાથી તેઓ હાલમાં મીટર રિપેરિંગનું કામકાજ કરે છે. આ સમગ્ર મામલે નવો વળાંક એવો આવ્યો છે કે કલ્પેશ ઉર્ફે તલાટી પણ કુબેરનગરમાં આવેલી હેલીની ભાર્ગવ સોસાયટીમાં રહેતો હતો. એ રીતે હેલી આધેડ વયના કલ્પેશ ઉર્ફે તલાટીને મામા તરીકે સંબોધીને બોલાવે છે. આજે ઇન્ફોસિટી પીઆઈએ વોન્ટેડ આરોપીઓના ઘરે રેડ કરી ત્યારે કલ્પેશ ઉર્ફે તલાટીના ઘરે માત્ર તેની પેરેલિસિસગ્રસ્ત માતા જ મળી હતી. તેની પત્ની પણ ગાયબ થઈ ચૂકી છે. જ્યારે મનીષ સ્પ્લેન્ડરનાં પરિવારજનો સટ્ટાના વ્યવહારો વિશે કશું જાણતા નહીં હોવાનું રટણ કરી રહ્યાં છે. ત્યારે હવે પોલીસ સમગ્ર ગૂંથી ઉકેલવા માટે એડી ચોટીનું જોર લગાવીને આગામી દિવસમાં નવો ઘટસ્ફોટ કરે તો નવાઈ નહીં.