
દિન પ્રતિદિન હવા પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે શહેરમાં હવા પ્રદુષણ ખૂબ વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર અમદાવાદ આવ્યા ત્યારે પણ અમદાવાદમાં હવા પ્રદુષણની સ્થિતિ ગંભીર બની હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રદૂષણના સ્થાનિક સ્ત્રોતોને ઓળખી સૌથી વધારે હવા પ્રદુષણ ફેલાતાં કુલ 9 હોટસ્પોટ વિસ્તારો ઓળખી કાઢવામાં આવ્યા છે. પિરાણા, રખિયાલ, રાયખડ, બોપલ, વટવા, એસ.પી.સ્ટેડિયમ, ચાંદખેડા, મણિનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 16 C&D વેસ્ટ કલેક્શન સેન્ટરો પણ છે. આ વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ સાથે ટાર્ગેટેડ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ તમામ જગ્યા ઉપર એર ક્વોલિટી સુધારવા માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કન્સ્ટ્રક્શન સાઈટો પરથી ઉત્પન્ન થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા “Good Construction Practices Policy” અમલમાં મૂકાઈ છે. જેમાં 20,000 ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતી સાઇટ્સ પર ડસ્ટ સેન્સર, એર ક્વોલિટી ડિસ્પ્લે અને CCTV ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મિસ્ટ મશીનનો ઉપયોગ કરવો તથા ખોદકામ દરમિયાન નીકળતી માટીને અથવા રેતી સંપૂર્ણ રીતે હાંકવી, સાઇટની આજુબાજુ બેરીકેટ અને ગ્રીટનેટની વ્યવસ્થા કરવી, સાઇટની અંદર આવવા જતા માર્ગોને યોગ્ય રીતે પેવ કરવા અને એન્ટ્રી એક્ઝિટ પર ટાયર વોશર સિસ્ટમ લગાવવાની રહેશે. આ પોલિસી અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 140 કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ડસ્ટ સેન્સર લગાવવામાં આવ્યા છે અને નિયમિત મોનિટરિંગ કરીને આવવામાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું કરવામાં આવે છે. એટલું જ નહીં વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન નેટ લગાવવાનું પ્રમાણ પણ વધ્યું છે જેથી પેનલ્ટી કલેક્શન લઘુતમ થયું છે. આ પોલીસી અંતર્ગત 2024-25 દરમિયાન વિવિધ કન્સ્ટ્રકશન સાઇટ પરથી રૂ. 1.71 કરોડ અને 2025-26માં આજદિન સુધી રૂ. 1.16 કરોડની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે.
C&D વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે 25 C&D કલેક્શન સેન્ટરો વિકસાવવામાં આવ્યા છે અને ગ્યાસપુર ખાતે 1000 TPD ક્ષમતાવાળો પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે. ડિસેમ્બર 2026 સુધીમાં વધુ 1000 TPD ક્ષમતાવાળો બીજો પ્લાન્ટ કાર્યરત થશે. આથી બાંધકામ કચરાના વૈજ્ઞાનિક નિકાલથી હવામાં ઉડતા ધૂળકણોમાં વધુ ઘટાડો થશે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) અને 15મા નાણાપંચ હેઠળ મળેલી ગ્રાન્ટના સદુપયોગથી શહેરમાં 16 ટ્રક-માઉન્ટેડ મીસ્ટ મશીનો કાર્યરત છે. તેમાંથી 6 મીસ્ટ મશીનો પિરાણા ડમ્પસાઇટ અને આસપાસના વિસ્તારોમાં સતત કાર્યરત છે, જ્યારે 10 મીસ્ટ મશીનો પ્રદૂષિત માર્ગોના રૂટ નિશ્ચિત કરી નિયમિત રીતે મિસ્ટિંગ કામગીરી કરે છે. આ ઉપરાંત પીએમ મીટિંગેશન માટે કુલ 62 મિકેનિકલ રોડ સ્વીપર મશીનો કાર્યરત છે. અમદાવાદમાં જાહેર પરિવહન ક્ષેત્રે શહેરે ગ્રીન મોડલ અપનાવ્યો છે. AMTS અને BRTS મળી કુલ 1250 બસો ક્લીન ફ્યુઅલ પર કાર્યરત છે. જેમાં 1052 CNG અને 207 ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થાય છે. શહેરમાં 128 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત છે અને સોલાર પાવર્ડ ચાર્જિંગ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ પહેલો વાહન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.પર્યાવરણ સંતુલન માટે શહેરમાં 303 ગાર્ડન્સ અને 118 અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવ્યા છે. શહેરનું ગ્રીન કવર આશરે 12.5 ટકા સુધી પહોંચ્યું છે. “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ 2024-25માં 40 લાખથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. NCAP હેઠળ મળેલી રૂ. 652.22 કરોડની ગ્રાન્ટમાંથી 95.69 ટકા એટલે કે રૂ. 624.14 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે,જે દર્શાવે છે કે આયોજન અને અમલ વચ્ચે સુમેળ છે અને પ્રદૂષણ નિયંત્રણ માટેના પ્રયાસો જમીન પર અસરકારક રીતે સાબિત થઈ રહ્યા છે. વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ અમદાવાદ શહેરે સ્વચ્છ હવા અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે વ્યાપક તૈયારીઓ પણ શરૂ કરી છે. અમદાવાદમાં આગામી સમયમાં મિસ્ટિંગ ક્ષમતા વધારવા, ગ્રીન ટ્રાન્સપોર્ટનો વિસ્તાર, C&D પ્રોસેસિંગ સુવિધાઓમાં વધારો અને ગ્રીન કવર વધારવાના પગલાંઓ દ્વારા શહેર “સ્વચ્છ હવા, સ્વસ્થ નાગરિક અને સસ્ટેનેબલ શહેરીકરણ”ના લક્ષ્ય તરફ આગળ વધશે.