
જૂનાગઢની ગિરનાર તળેટીમાં આગામી સમયમાં યોજાનારા મિની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મેળાની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પવિત્ર દામોદર કુંડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર હોવાથી આવતીકાલથી બે દિવસ માટે કુંડ ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
દામોદર કુંડ તીર્થ ક્ષેત્રના પ્રમુખ નીલેશભાઈ પુરોહિતે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “મહાશિવરાત્રીના ભવ્ય પર્વને અનુલક્ષીને પવિત્ર દામોદર કુંડ અને તેના ઘાટ પર સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે કુંડનું પાણી ખાલી કરવામાં આવ્યું હોવાથી આગામી બે દિવસ સુધી અહીં તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ અને સ્નાન બંધ રહેશે. દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે વિનંતી છે કે આ બે દિવસ મુલાકાત લેવાનું ટાળવું. આગામી 5મી ફેબ્રુઆરીને ગુરુવારથી કુંડમાં ફરી સ્વચ્છ પાણી ભરીને રાબેતા મુજબ કાર્યો શરૂ કરી દેવાશે. મેળાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે આજે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, સ્થાનિક ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર અને એસડીએમ સહિતના અધિકારીઓએ દામોદર કુંડથી લઈ ભવનાથ તળેટી સુધીના સમગ્ર માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મેળામાં આવતા ભક્તો માટે લાઈટ, પીવાનું પાણી, અને પાર્કિંગની સુવિધાઓ અંગે ઝીણવટભરી ચર્ચા કરી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, મેળા દરમિયાન યોજાનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવનાથ મંદિરમાં યોજાનારી મહાઆરતીના સ્થળોની પણ મુલાકાત લેવામાં આવી છે. મેળાના આયોજનને વધુ સુદ્રઢ બનાવવા માટે પદાધિકારીઓ દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે, તેના આધારે બાકી રહેલી કામગીરીને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવશે. આ વર્ષે પણ શિવરાત્રીના મેળાને ભવ્ય અને સંસ્મરણીય બનાવવા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આવતીકાલથી શરૂ થનારી સફાઈ કામગીરી બે દિવસ ચાલશે, જેમાં કુંડના તળિયાની સફાઈ અને ઘાટનું ધોવાણ કરવામાં આવશે. ત્યારબાદ ગુરુવારે 5મી ફેબ્રુઆરીથી શ્રદ્ધાળુઓ ફરીથી દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરી શકશે અને પિતૃ તર્પણ જેવી ધાર્મિક વિધિઓ કરી શકશે. મેળા પૂર્વે તીર્થક્ષેત્રને એકદમ સ્વચ્છ અને સુસજ્જ કરવાના હેતુથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.