સુરતના ધમધમતા રેલવે ટ્રેક પર યુવતીએ રીલ બનાવી

Spread the love

 

રીલ્સ બનાવવાનું ગાંડપણ યુવાઓને ક્યાં લઈ જશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. સુરતના સચિન રેલવે સ્ટેશન નજીક સતત ધમધમતા રેલવે ટ્રેક પર એક યુવતીએ ફિલ્મી ગીત પર રીલ્સ બનાવતા ચકચાર મચી છે. જીવને જોખમમાં બનાવાયેલી આ રીલ મામલે હવે રેલવે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજકોટમાં ગઈકાલે જ સેલ્ફી લેવાના ચક્કરમાં વંદે ભારત ટ્રેન અડફેટે 3 લોકો આવી જતા 2 લોકોના મોત નિપજ્યા હતા. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવતી સચિન વિસ્તારના રેલવે ટ્રેકની વચ્ચોવચ કોઈ પણ જાતના ડર વગર ચાલી રહી છે અને પોઝ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે આ એવો ટ્રેક છે જ્યાંથી દિવસ-રાત તેજ ગતિએ એક્સપ્રેસ ટ્રેનો પસાર થાય છે. જો શૂટિંગ દરમિયાન અચાનક ટ્રેન આવી ગઈ હોત, તો યુવતીને જીવ બચાવવાનો મોકો પણ ન મળતે. માત્ર થોડી સેકન્ડની પ્રસિદ્ધિ માટે યુવતીએ પોતાનો અમૂલ્ય જીવ દાવ પર લગાવી દીધો હતો.રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના નિયમો મુજબ, રેલવે ટ્રેક પર અનધિકૃત પ્રવેશ કરવો કે ત્યાં શૂટિંગ કરવું એ ગંભીર કાયદાકીય ગુનો છે. રેલવે એક્ટની કલમ 147 હેઠળ આ બદલ જેલની સજા અથવા આકરા દંડની જોગવાઈ છે. સુરતની આ ઘટનામાં યુવતીએ માત્ર જીવ જોખમમાં નથી મૂક્યો, પરંતુ કાયદાનું પણ સરેઆમ ઉલ્લંઘન કર્યું છે.
સ્થાનિકોનું કહેવું છે કે જો આવા તત્વો સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી નહીં થાય, તો અન્ય યુવાનો પણ આવા જોખમી સાહસો કરવા પ્રેરાશે. આમ તો આ વીડિયો સચિન વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હાલ રેલવે વિભાગે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલના આધારે યુવતીની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કરાયા છે. રેલવે ટ્રેક પર રીલ બનાવનાર યુવતીએ માફી માંગતા જણાવ્યું હતું કે, જેમ કે તમે લોકોએ વીડિયોમાં જોયું, હવે હું તમને જણાવું છું કે વાત શું બની હતી. હું એક દિવસ સુરત એટલે કે સચિન સ્ટેશન પર ગઈ હતી, જે અમારા ઘરથી નજીક જ છે. ત્યાં મેં રેલવેના પાટા પર એક ગીત પર રીલ બનાવી હતી. ખબર નહીં કેવી રીતે એ રીલ આજે વાયરલ થઈ ગઈ અને હવે તેની પર કાનૂની કાર્યવાહી થઈ રહી છે. મને આ વિશે ખબર પડી છે, એટલે હું તે માટે માફી માંગુ છું. ત્યાંના જેટલા પણ ભાઈઓ અને લોકો છે, તે બધાને હું વિનંતી કરું છું કે કોઈએ પણ ત્યાં જઈને વીડિયો ન બનાવવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *