
ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપ સાથે રાજકીય વાતાવરણ ગરમાયું છે. સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી વિનોદ જોશી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે લોકોની જાણ બહાર ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરીને તેમનો મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ફોર્મ નંબર 7ની નકલો અને વિગતોની માંગણી કરી હતી. જોકે, પ્રાંત અધિકારીએ ન આપતા વિમલ ચુડામસાએ ‘સુપર CM’ કહ્યાં હતા. જોકે, ત્યારબાદ તેઓ આવતીકાલે તેમના કાર્યાલયે નકલો અને વિગતો મોકલશે તેમ કહીને મામલો શાંત પાડ્યો હતો.
ધારાસભ્ય ચુડાસમા છેલ્લા કેટલાક દિવસોથી SIR પ્રક્રિયા અંતર્ગત રજૂ થયેલા ફોર્મ નંબર 7ની નકલો અને વિગતોની માંગ કરી રહ્યા હતા. જોકે, ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રાંત અધિકારી વિનોદ જોશીએ આ માહિતી આપવાનો ઇનકાર કરતા વિવાદ સર્જાયો હતો. ધારાસભ્ય કેમેરા સાથે પ્રાંત કચેરી પહોંચ્યા હતા, જ્યાં અધિકારી અને ધારાસભ્ય વચ્ચે આશરે 20 મિનિટ સુધી શાબ્દિક ટપાટપી થઈ હતી. ચર્ચા દરમિયાન ચુડાસમાએ અધિકારી પર સત્તાધારી પક્ષના લોકોની ગેરરીતિઓને છાવરવાનો આક્ષેપ કરી તેમને “સુપર CM” તરીકે સંબોધ્યા હતા.ધારાસભ્યએ જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયામાં ચોક્કસ સમાજ અને પક્ષને નિશાન બનાવી નિર્દોષ નાગરિકોના નામે તેમની જાણ બહાર ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવ્યા છે. આ મામલે તેમણે અસરગ્રસ્ત નાગરિકોના સોગંદનામા પણ રજૂ કર્યા છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ફોર્મ તેમની સંમતિ વિના ભરાયા છે.
ધારાસભ્યની મુખ્ય માંગણીઓ
ખોટા ફોર્મ નંબર 7 ભરનારા તત્વો સામે IPC મુજબ ફોજદારી ગુનો દાખલ કરવો.
પ્રાંત કચેરીના CCTV ફૂટેજના આધારે ફોર્મ જમા કરાવનાર વ્યક્તિઓની ઓળખ કરી ધરપકડ કરવી.
તમામ વિવાદાસ્પદ ફોર્મની નકલો જાહેર કરવી.
અધિકારીનો વીડિયોમાં સ્વીકાર
સમગ્ર વિવાદના અંતે એક વીડિયો ફૂટેજ સામે આવ્યું છે, જેમાં પ્રાંત અધિકારી વિનોદ જોશી એવું બોલતા સંભળાય છે કે, “આમાં વસ્તુ એવી છે કે અમને પણ ખબર છે કે આ બધા ખોટા છે…” આ નિવેદન ત્યારે રેકોર્ડ થયું હતું. જ્યારે અધિકારીને લાગ્યું કે વીડિયો રેકોર્ડિંગ બંધ થઈ ગયું છે. લેખિત રજૂઆત અને ઉગ્ર આંદોલન બાદ અંતે પ્રાંત અધિકારી દ્વારા ફોર્મ નંબર 7ની નકલો ધારાસભ્યના કાર્યાલયે પહોંચાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.