માઁ ઉમિયાના મંદિર નિર્માણ માટે 24 કલાકમાં 6 કરોડનું દાન

Spread the love

 

સનાતન ધર્મ અને જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર-અમદાવાદના પ્રમુખ આર.પી. પટેલના 69મા જન્મદિવસ નિમિતે દાતાઓ દ્વારા માત્ર 24 કલાકમાં અમદાવાદ અને મુંબઈમાંથી કુલ 6 કરોડ 90 લાખ રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું.
પ્રમુખ આર. પી. પટેલે પોતાના જન્મદિવસની વિશેષ ઉજવણી માઁ ઉમિયાના મંદિરના નિર્માણ માટે દાન એકત્ર કરીને કરી હતી. અમદાવાદ અને મુંબઈમાં જન્મદિવસની શુભેચ્છા આપવા આવેલા શુભેચ્છકોને તેમણે વિશ્વ ઉમિયા ધામ માટે દાન આપવા પ્રેરણા આપી હતી, જેના પરિણામે માત્ર 24 કલાકમાં અમદાવાદ અને મુંબઈમાંથી કુલ 6.9 કરોડ રૂપિયાનું દાન એકત્ર થયું છે. સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી મુંબઈમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બિઝનેસ વિભાગ VIBES ચેપ્ટરના ઉદ્ઘાટન સાથે કરી હતી. આજના સમયમાં જ્યારે યુવાનો વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના VIBES વિભાગ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં સર્વ સમાજને જોડતા બિઝનેસ ગ્રુપ્સ ચલાવવામાં આવી રહ્યા છે.
વિશ્વનાં સૌથી ઊંચાં મંદિરોમાંના એક અમદાવાદના જાસપુર ખાતે 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના ખર્ચે 1551 ધર્મસ્તંભ ઉપર ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે. 504 ફૂટ ઊંચા વિશ્વ ઉમિયાધામ મંદિરમાં દેશનું સૌથી મોટું કોંક્રીટ રાફ્ટ ભરાયું છે. માતા ઉમિયા જેના પર બિરાજમાન થવાના છે એ પાયાનો સ્લેબ 3600 ટન સિમેન્ટ અને 4800 ટન સ્ટીલથી ભરવામાં આવ્યો. આ કોંક્રિટની માત્રા એટલી છે કે તેનાથી 20 ફૂટ પહોળો અને 27 કિલોમીટર લાંબો રોડ બનાવી શકાય છે. જાસપુરમાં 100 વીઘા જમીનમાં બની રહેલા 504 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમયે ગર્ભગૃહથી 10 ફૂટ નીચે સોનું, ચાંદી, તાંબું, ઝવેરાત, મોતી એમ પંચધાતુનું 14 કિલો મિશ્રણ શુદ્ધીકરણ માટે નાખવામાં આવ્યું હતું. મંદિરમાં જમીનથી 51 ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે. જ્યારે 270 ફૂટ ઊંચાઈએ વ્યૂઇંગ ગેલરી બનાવવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *