
જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાના અવસાન બાદ તેમના બેંક ખાતામાંથી 9 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાડોશમાં રહેતા પિતા-પુત્રએ કથા કરવાના બહાને આ રકમ ઉપાડી અંગત ઉપયોગમાં લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મૃતકના ભત્રીજાએ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. મૂળ ખંભાળિયા તાલુકાના ભાતેલના વતની અને હાલ મોરબી જિલ્લાના ઘુંટુ ગામમાં રહેતા દશરથસિંહ બળવંતસિંહ જાડેજાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમના ભાભુ રાજુબા જાડેજા, જેઓ આરોપીઓના પાડોશમાં રહેતા હતા, તેમનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. પરિવારજનોએ તેમના નામે કથા સપ્તાહ કરવાનું વિચાર્યું હતું. ફરિયાદ મુજબ, પાડોશમાં રહેતા રતુભા હનુભા જાડેજા અને તેમના પુત્રએ રાજુબાના બેંક ખાતામાંથી 9 લાખ રૂપિયાની રકમ બે હપ્તામાં ચેક દ્વારા ઉપાડી લીધી હતી. આ રકમ કથા કરવાના બહાને ઉપાડીને અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. તેમણે એક નાની કથા કરી હતી, જેમાં રાજુબાના પરિવારના કોઈ સભ્યને સામેલ કર્યા ન હતા. આ રીતે આરોપીઓએ પરિવાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે સિટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીએસઆઇ ડી.જે. રાજ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.