- Ahmedabad: નિકોલમાં સાયબર ફ્રોડનું ‘હેડક્વાર્ટર’
- કર્ણાટકથી માત્ર 2000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ટ્રેસ થયું
- 1 કરોડ 31 લાખનું ફ્રોડ કરનારા આ ભેજાબાજો સુધી પોલીસ પહોંચી
Ahmedabad: ગુજરાતમાં સાયબર ગઠિયાઓ પર અરવલ્લી પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. એક નાનકડી અરજી અને માત્ર બે હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શનની તપાસમાં પોલીસે અમદાવાદના નિકોલમાં ધમધમતું આખું ‘કોલ સેન્ટર’ ઝડપી પાડ્યું છે.
24 લાખ રૂપિયા રોકડા, સોનું-ચાંદી અને મની કાઉન્ટિંગ મશીન. જાણે કોઈ બેંક હોય તેવો માહોલ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે.
અમદાવાદના નિકોલમાં સાયબર ફ્રોડનું ‘હેડક્વાર્ટર’
સોશિયલ મીડિયા પર સસ્તા મોબાઈલની લાલચ આપી રૂપિયા 1 કરોડ 31 લાખનું ફ્રોડ કરનારા આ ભેજાબાજો સુધી પોલીસ પહોંચી અને બે આરોપીઓને ઝડપી લીધા છે. દ્રશ્યો જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. ટેબલ પર પડેલા લાખો રૂપિયા, મોબાઈલનો ખડકલો અને મની કાઉન્ટિંગ મશીન. આ કોઈ બેંક નથી, પરંતુ અમદાવાદના નિકોલમાં સાયબર ફ્રોડનું ‘હેડક્વાર્ટર’ ચાલી રહ્યું હતું. અરવલ્લી સાયબર ક્રાઈમની ટીમે ‘ઓપરેશન મ્યુલ એકાઉન્ટ’ હેઠળ આ દરોડા પાડ્યા ત્યારે પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. પોલીસે સ્થળ પરથી 24 લાખ રૂપિયા રોકડા, 150 ગ્રામ ચાંદી, 21 બેંક એકાઉન્ટની કિટ્સ અને 31 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
Ahmedabad: લોકેશન અમદાવાદના નિકોલમાં એક મકાનમાં મળ્યું
અરવલ્લીના ભિલોડામાં એક અરજદાર સાથે ફ્રોડ થયું હતું, જેમાં કર્ણાટકથી માત્ર 2000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ટ્રેસ થયું હતું. આ કડી પકડીને પોલીસે તપાસ લંબાવી તો તેનું લોકેશન અમદાવાદના નિકોલમાં એક મકાનમાં મળ્યું. ત્યાં રેડ કરતા રાજસ્થાનના સાંચોરના બે શખ્સો દિનેશ માળી અને મહેન્દ્ર દેવાસી બન્ને પકડાયા છે. જેઓ મ્યુલ એકાઉન્ટ (ભાડાના ખાતા) ઓપરેટ કરતા હતા અને તેમાં રૂપિયા મંગાવી 10 ટકા કમિશન આપતા હતા. કુલ 1.31 કરોડનું ટ્રાન્ઝેક્શન સામે આવ્યું છે અને 24 લાખ રોકડા રિકવર કર્યા છે.
સોશિયલ મીડિયા પર મોંઘા મોબાઈલ સાવ સસ્તા ભાવે આપવાની લાલચ આપતા
પોલીસ તપાસમાં આ ટોળકીની ‘મોડસ ઓપરેન્ડી’ પણ સામે આવી છે. આ ગઠિયાઓ સોશિયલ મીડિયા પર મોંઘા મોબાઈલ સાવ સસ્તા ભાવે આપવાની લાલચ આપતા હતા. ભોળા લોકો જેવી લિંક પર ક્લિક કરે કે તરત જ તેમનો શિકાર બની જતા. ખાસ વાત એ છે કે, ફ્રોડના રૂપિયા મેળવવા માટે તેઓ બીજાના બેંક એકાઉન્ટ (મ્યુલ એકાઉન્ટ) નો ઉપયોગ કરતા અને તેના બદલામાં ખાતાધારકને 10 ટકા કમિશન આપતા હતા. હાલ પોલીસે રાજસ્થાનના બે આરોપીઓને દબોચી લીધા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.