મહાપાલિકા દ્વારા નવા નાણાંકીય વર્ષમાં આવાસ યોજનાઓમાં નવી પહેલ કરી 3170 આવાસ બનાવવા બજેટમાં 464.39 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ કોસ્ટને પહોંચી વળવા માટે બીઓટીના ધોરણે ટેન્ડર કરાશે. જે મંજૂર થયેલ પ્રોજેક્ટ માટે બાંધકામની સામે મહાનગરપાલિકા હસ્તકના રેસીડેન્સીયલ ફોર સેલ અને કોમર્શિયલ ફોર સેલના પ્લોટને પાર્સલ બી તરીકે બિલ્ડરને આપવામાં આવશે.
જેથી તંત્રને કોઈ આર્થિક ભારણ રહેશે નહિ તેમ કમિશ્ર્નરે જણાવ્યું હતું.
અત્યાર સુધીમાં 36,214 આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. ચાલુ વર્ષમાં રૂ. 119.05 કરોડના ખર્ચે 1010 આવાસોની કામગીરી હાલ પૂર્ણતાને આરે છે. જે ફેબ્રુઆરી-2026ના અંતમાં પૂર્ણ થશે. ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ સાથે વરસાદી પાણીના સંગ્રહ સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે. સ્લમ પુન:વસનમાં 1313 લાભાર્થીઓને સંપૂર્ણ સુવિધાસભર અને વિનામુલ્યે ઘરનું ઘર આપવામાં આવેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ ઘરવિહોણા પરિવારોને પોષણક્ષમ ભાવે સુવિધાયુક્ત પાક્કા આવાસો મળી રહે તેવા ઉમદા હેતુસર આગામી 5 વર્ષ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા યોજના લાગુ કરાઇ છે. મહાનગરપાલિકા દ્વારા ઇડબલ્યુએસ-1 પ્રકારના 1170 તેમજ ઇડબલ્યુએસ-2 પ્રકારના 2000 આવાસો મળીને કુલ 3170 આવાસોનાં નિર્માણ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.