
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે મિલકત નોંધણી અને સબ રજિસ્ટ્રાર કચેરીની કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે મહત્વનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સોમવારે મોડી રાત્રે જાહેર થયેલા આ નવા નિયમ મુજબ, હવે નાગરિકો મિલક્ત સંબંધિત કોઇ પણ નોંધાયેલા દસ્તાવેજની ડિજિટલ કોપી પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા મેળવી શકશે.
પ્રોસેસિંગ ફીમાં મોટો ઘટાડો
અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ, જો કોઈ નાગરિકને મિલકત કે કરારના દસ્તાવેજની નકલ જોઈતી હોય, તો તેમણે ફરજિયાતપણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જવું પડતું હતું. આ પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કર્યા પછી પણ અધિકૃત નકલ માટે પેજ દીઠ ₹20નો ચાર્જ વસૂલવામાં આવતો હતો. સામાન્ય રીતે દસ્તાવેજો 12 પાનાથી વધુ હોવાથી નાગરિકોએ ₹240 કે તેથી વધુ રકમ ચૂકવવી પડતી હતી.
હવે નવી જોગવાઈ મુજબ, સમગ્ર દસ્તાવેજની ડિજિટલ નકલ માટે માત્ર ₹100 પ્રોસેસિંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. તેમજ નાગરિકોને પેજ દીઠ ₹20 ચૂકવવામાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. અને કચેરીમાં રૂબરૂ જવાની ઝંઝટ અને સમયનો બચાવ થશે.
કયા પોર્ટલ પરથી મળશે નકલ?
મહેસૂલ વિભાગે તમામ નોંધાયેલા દસ્તાવેજોને ડિજિટલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવ્યા છે. નાગરિકો નીચે મુજબના પોર્ટલનો ઉપયોગ કરી શકશે:
1) ‘Any ROR પોર્ટલ: અહીંથી ઇન્ડેક્સ-2ની સાદી નકલ મેળવી શકાશે.
2) IORA’ પોર્ટલ: આ પોર્ટલ પરથી દસ્તાવેજની પ્રમાણિત (Certified) નકલ ઉપલબ્ધ થશે.
ફેસલેસ સર્વિસના ફાયદા
આ નવી ‘ફેસલેસ સર્વિસ’ શરૂ થવાથી સબ રજિસ્ટ્રાર કચેરીઓ પર કામનું ભારણ ઘટશે અને ભ્રષ્ટાચારની શક્યતાઓ પણ નહિવત બનશે. મિલકત ખરીદનારા કે વેચનારા લોકો માટે દસ્તાવેજોની સોફ્ટ કોપી હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ બનતા રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.