
અમદાવાદને દેશનાં અન્ય શહેરો કરતાં આગવુ બનાવતાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવા માટે ફિઝીબીલીટી સ્ટડી રિપોર્ટ તૈયાર કરવા એક કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઇનલેન્ડ વોટર વેયઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સાબરમતી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવા માટે કોચી વોટર મેટ્રો કંપનીને ફિઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરવાનો વર્ક ઓર્ડર આપી દેવાયો છે અને એક બે મહિનામાં રિપોર્ટ આવી જશે, ત્યારબાદ ટેન્ડર બહાર પાડવા કન્સલ્ટન્ટ નિમવા વગેરે પ્રક્રિયા હાથ ધરાશે.કમિશનરનાં બજેટમાં રિવરફ્રન્ટનાં પશ્ચિમ કાંઠે ટાગોરહોલ પ્લાઝા સાથે એક્ઝિબીશન કમ કન્વેન્શન સેન્ટર બનાવવા ૨૫૮ કરોડની જોગવાઇ છે. જોકે નવા નાણાંકીય વર્ષમાં ૨૫ કરોડની મર્યાદામાં જ ખર્ચ કરાશે. તદઉપરાંત પશ્ચિમ કિનારે નહેરૂબ્રિજ અને એલિસબ્રિજ વચ્ચે રિવર સાઇડ સેવરીઝ(ફૂડ કોર્ટ) બનાવવા ૧૦૦ કરોડ, તેમાં પણ નવા વર્ષમાં ૨૫ કરોડ સુધીનો ખર્ચ કરાશે. આ જગ્યાએ રેસ્ટોરન્ટ, મીની પ્લેક્સ, પેડેસ્ટ્રીયન પ્લાઝા તથા ગેમ ઝોન જેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે.રિવરફ્રન્ટમાં હાલ પૂર્વ કિનારે ડફનાળાથી સદર બજાર સુધીનો રોડ અને અપર પ્રોમિનાડ વગેરે ડેવલપ કરવાનો પ્રોજેક્ટ પૂરજોશમાં ચાલી રહ્યો છે.તેવી જ બજેટમાં રિવરફ્રન્ટનાં બન્ને કાંઠે પૂર્વમાં સદર બજારથી ઇન્દિરાબ્રિજ સુધી અને પશ્ચિમમાં રેલ્વેબ્રિજથી ઇન્દિરાબ્રિજ સુધી રોડ, અપર પ્રોમિનાડ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા ૧૭૬ કરોડની જોગવાઇ દર્શાવવામાં આવી છે.