Gj 18 ખાતે હેલ્થીથી રમતોનો ખજાનો મનપાએ ખોલ્યો, જલસા સ્ટ્રીટ ખાતે રવિવાર જલસા જલસા પડી જશે, આવતીકાલ વાંચી લો

Spread the love

 

*ગાંધીનગરમાં રવિવારે ‘જલસા સ્ટ્રીટ’ની ધૂમ: ક્રિકેટ બોલ-આઉટ, પેનલ્ટી શૂટઆઉટ અને ૭૦થી વધુ એક્ટિવિટીઝ સાથે જામશે સૌથી મોટો ફિટનેસ કાર્નિવલ*

તા. ૦૭/૦૨/૨૦૨૬, ગાંધીનગર

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નગરજનો માટે સ્વાસ્થ્ય અને મનોરંજનના હેતુથી અત્યાર સુધીની સૌથી મોટી ‘જલસા સ્ટ્રીટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રવિવાર, ૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, ઘ-૪ ખાતે બપોરે ૧૨:૦૦ થી રાત્રે ૧૧:૦૦ કલાક સુધી આ ફિટનેસ અને કલ્ચરલ કાર્નિવલની રમઝટ જામશે. આ વખતે ગાંધીનગરના પ્રખ્યાત એવા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની મધ્યમાં ૭૦ થી વધુ પ્રવૃત્તિઓનો સમાવેશ કરી કાર્યક્રમને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે.

આ વખતના જલસા સ્ટ્રીટમાં યુવાનો માટે ‘ક્રિકેટ બોલ-આઉટ’ અને ‘ફૂટબોલ પેનલ્ટી શૂટઆઉટ’ જેવી હાઈ-એનર્જી ગેમ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત ચેસ અને લુડો જેવી માઈન્ડ ગેમ્સ તેમજ લખોટી, ભમરડો, લગોરી, લીંબુ-ચમચી અને કોથળા દોડ જેવી આપણી પરંપરાગત રમતો દ્વારા જૂની યાદો તાજી કરવામાં આવશે. ફિટનેસના શોખીનો માટે ઝુમ્બા સેશન, પ્લેન્ક ચેલેન્જ, આર્મ રેસલિંગ અને રસ્સા ખેંચ જેવી પ્રવૃત્તિઓનું પણ ખાસ આયોજન છે. સ્ટ્રીટ ચોક આર્ટ, રંગોળી, ટ્રેમ્પોલીન અને ફેસ પેઇન્ટિંગ જેવી એક્ટિવિટીઝ બાળકો માટે વિશેષ આકર્ષણ જમાવશે.

‘જલસા સ્ટ્રીટ’માં આ વખતે ૭૦થી વધુ પ્રવૃત્તિઓનું લાંબુ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જે દરેક વયના નાગરિકોને જકડી રાખશે. જેમાં સ્પોર્ટ્સ પ્રેમીઓ માટે બેડમિન્ટન, રૂબિક્સ ક્યુબ સોલ્વર અને ‘નો યોર ગાંધીનગર’ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન છે. આ સિવાય થ્રી-લેગ રેસ, ફ્રોગ જમ્પ, અને હુલા-હૂપ્સ જેવી ફિઝિકલ ચેલેન્જ રાખવામાં આવી છે. આ ઉપરાંત, ગાંધીનગરવાસીઓ માટે ખાસ સિગ્નેચર વોલ તૈયાર કરવામાં આવી છે, જ્યાં નાગરિકો પોતાના યાદગાર અનુભવો અને સંદેશા લખી શકશે.

સાંજે ૭:૦૦ કલાકથી મનોરંજનનો જલસો શરૂ થશે, જેમાં ખ્યાતનામ કલાકાર બ્રિજ શાહ (Brij Shah) દ્વારા લાઈવ ‘સૂફી નાઈટ’ રજૂ કરવામાં આવશે. સૂફી સંગીતની સુરાવલીઓ સાથે વિવિધ ગ્રુપ દ્વારા ડાન્સ પર્ફોર્મન્સ પણ પિરસવામાં આવશે. આ વર્ષે લોકો મનોરંજનની સાથે ખાણી-પીણીની મજા માણી શકે તે માટે ખાસ ફૂડ સ્ટોલ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્થળ પર બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ કેમ્પ પણ યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ તમામ કાર્યક્રમોમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, જેથી તમામ નાગરિકોને આ ભવ્ય ‘જલસા સ્ટ્રીટ’માં સહપરિવાર ઉમટી પડવા હાર્દિક આમંત્રણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *