જુગાર રમવાની ના પાડતાં પરિણીતાને સાસરું છોડવું પડ્યું

Spread the love

 

જુગાર રમવાની ના પાડતાં પરિણીતાને સાસરું છોડવું પડ્યું. લો…બોલો આવું ક્યાંય બને?…આ ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં બન્યો છે. જન્માષ્ટમીનો જ્યાં સૌથી વધુ ક્રેઝ જોવા મળે છે એવા રાજકોટમાં એક પરિવારે ઘરની વહુને જન્માષ્ટમી-શ્રાવણિયો જુગાર રમવા કહ્યું, તો વહુએ જવાબ આપ્યો કે હું શિક્ષિત પરિવારમાંથી આવું છું, હું જુગાર નહીં રમું. બસ, પછી શું વિવાદ એટલો બધો વધ્યો કે પત્નીને સાસરું છોડવા મજબૂર થવું પડ્યું. આખરે પરિણીતા કોર્ટ પહોંચી ને અમદાવાદ જિલ્લા અદાલતે રાજકોટના એક પુરુષ અને તેનાં પરિવારજનોને શ્રાવણ માસ દરમિયાન પત્નીને જુગારની પરંપરામાં ભાગ લેવા માટે મજબૂર કરીને તેને હેરાન કરવા બદલ દોષિત ઠેરવ્યા, સાથે સાથે કોર્ટે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ પતિને માસિક ભરણપોષણ, ઘરભાડા માટે સહાય તથા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કેસની વિગતો મુજબ હાલ નિકોલ વિસ્તારમાં રહેતી મહિલાએ જાન્યુઆરી, 2017માં રાજકોટના એક કરિયાણાની દુકાન ચલાવતા યુવક સાથે લગ્ન કર્યા હતા. શરૂઆતમાં બધું ઠીક હતું, પરંતુ શ્રાવણ માસ દરમિયાન તેનાં સાસરિયાંએ ઘરમાં સૌ જુગાર રમતા હોવાથી તેને પણ જુગારમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો હતો. મહિલાએ પોતે શિક્ષિત પરિવારમાંથી આવતી હોવાને કારણે જુગાર નહીં રમે એવું કહીને ઇનકાર કર્યો હતો.
જુગાર રમવાનો ઇનકાર કર્યા બાદ પરિવારના વર્તનમાં ફેરફાર આવ્યો હોવાનું તેણે જણાવ્યું છે. સાસરિયાંએ પોતે જુગાર ન રમે તોપણ જુગાર માટે તેનાં માતા-પિતાથી પૈસા લાવવા માટે દબાણ શરૂ કર્યું હતું. તેના કહેવા મુજબ આ જુગારમાં માત્ર પરિવારજનો નહીં, પરંતુ ઓળખીતાઓ પણ સામેલ હતા. વિવાદ વધતાં તેણે આક્ષેપ કર્યો હતો કે જો તે જુગાર નહીં રમે તો પતિ સાથે છૂટાછેડા લેવા જેવી પરિસ્થિતિ પરિવાર દ્વારા ઊભી કરવામાં આવી. અંતે, તેણે 2019માં સાસરું છોડ્યું હતું. તેણે સાસરું છોડ્યા બાદ સાસરિયાંએ તેના વિરુદ્ધ છેતરપિંડી અને ઘરેણાં લઈ જવાનો આક્ષેપ કરતી FIR નોંધાવી હતી. ત્યાર બાદ મહિલાએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી JMFC કોર્ટમાં પતિ અને તેનાં પાંચ સગાં વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી અને સાસરેથી કાઢી મૂકવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સાસરિયાંએ આક્ષેપો ખોટા હોવાનું કહીને તેમના દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદોને આધાર બનાવ્યા હતા, જોકે અદાલતે મહિલાની હેરાનગતિ અંગેની વાત સ્વીકારી હતી. પતિની આવક સાબિત ન થઈ શકતાં અદાલતે સક્ષમ વ્યક્તિની સરેરાશ આવકના આધારે પતિને દર મહિને 5 હજાર ભરણપોષણ ચૂકવવાનો અને ઘરભાડા માટે વધારાના 2 હજાર રૂપિયા પ્રતિ મહિને ચૂકવવાનો આદેશ આપ્યો છે.
જન્માષ્ટમીએ જુગાર રમવાનો રિવાજ ક્યારથી અને કઈ રીતે શરૂ થયો?ઃ કૌરવ-પાંડવો જુગાર રમતા. શ્રીકૃષ્ણની અનુમતિથી દુર્યોધને પાંડવોને જુગાર રમવા બોલાવેલા. જુગાર રમવામાં કૌરવો કપટ કર્યું હતું. કૌરવ-પાંડવો બેવાર જુગાર રમેલા. પહેલા જુગટામાં પાંડવો રાજપાટ હારી ગયા, વનવાસ જવું પડ્યું. વનવાસ પૂર્ણ થયા પછી પાંડવોને ઈન્દ્રપ્રસ્થનું રાજ્ય મળ્યું. દુર્યોધને ફરી જુગારનો દાવ ખેલ્યો, એમાં પાંડવો દ્રૌપદી સહિત બધું જ હારી ગયા. દુર્યોધન-દુઃશાસન દ્વારા દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતાં શ્રીકૃષ્ણે ચીર પૂર્યાં. આમ, શ્રીકૃષ્ણ જુગારના સાક્ષી બની રહ્યા. મહાભારતકાળથી જુગટું રમવાનો રિવાજ પ્રચલિત થયો. આ કારણોથી જન્માષ્ટમીએ પણ જુગાર રમાય છે. શ્રાવણ મહિનો પવિત્ર મહિનો છે. આ મહિનામાં રક્ષાબંધન અને સાતમ આઠમનો તહેવાર મનાવવામાં આવે છે, સાથે આખો મહિનો શિવજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે, જોકે આ મહિનાની શરૂઆતમાં અને એમાંય સાતમ આઠમના પર્વ દરમિયાન લોકો જુગાર રમવા લાગી જાય છે, જુગાર રમવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. ઘણાં વર્ષોથી ઘણાં એવાં શહેરો છે, જ્યાં જુગાર રમવાની પ્રથા બનાવી દીધી છે, પરંતુ તમને ખ્યાલ છે કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં ક્યાંય પણ જુગાર રમવાની પ્રથા નથી લખી. એક જાણીતા એસ્ટ્રોલોજરના મતે ભગવાન શ્રીકૃષ્ણ નાગકુલમાં ગયા હતા એ સમયે તેમણે જુગટું કર્યું હતું એટલે એક પ્રકારનું પરાક્રમ, પરંતુ એ જુગટુ જુગાર તરીકે મનાવે છે અને એને અનેક શહેરો અને અનેક ધર્મમાં એક પ્રથા તરીકે અત્યારે લોકો માનીને રમી રહ્યા છે, પરંતુ એ એક ભ્રમ છે અને જાતે ઊભી કરેલી પ્રથા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *