
કલોલના અંબિકા હાઇવે પર શ્રીજી ગરનાળા પાસે રોડ ક્રોસ કરી રહેલી યુવતીને પૂરપાટ ઝડપે બુલેટ ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત 24 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજતા કલોલ શહેર પોલીસે બુલેટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કલોલના નાગોરીવાસ વિસ્તારમાં રહેતી સલમા રસુલભાઈ ઘાંચી 8 ફેબ્રુઆરીની રાત્રે નવેક વાગે ઘરેથી તેની માતાની દવા લેવા નીકળી હતી. દરમિયાન સાડા દસ વાગ્યાની આસપાસ શ્રીજી ગરનાળા પાસે અમદાવાદ-મહેસાણા હાઇવે ક્રોસ કરતી વખતે બુલેટ (નંબર GJ01PZ5443) ના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તે સમયે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેને મોડી રાત્રે લિયાકતભાઈ ઘાંચી અને અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત હાલતમાં રિક્ષામાં લઈને ઘરે ગયા ત્યારે પરિવારને અકસ્માતની જાણ થઈ હતી. જોકે બીજા દિવસે સવારે તેને શરીરમાં અસહ્ય દુખાવો ઉપડતા પરિવારજનો સઇજ ખાતેની પી.એસ.એમ. હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ સલમાની ગંભીર હાલત જોતા તાત્કાલિક આઈસીયુ વોર્ડમાં દાખલ કરી હતી. જોકે સારવાર દરમિયાન તેની તબિયત વધુ લથડી પડતા તે અર્ધ બેભાન અવસ્થામાં સરી પડી હતી. અને ગઈકાલે સલમાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ અંગે મૃતકની માતા બીબીબેન ઘાંચીની ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.