કચરાના ડુંગરો હટાવી 10 એકરમાં મિયાવાકી જંગલ વિકસાવાશે

Spread the love

 

ગાંધીનગરના સેક્ટર-30માં છેલ્લા 15 વર્ષથી ખડકાયેલા કચરાના નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈજ્ઞાનિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 3.85 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો સફળતાપૂર્વક નિકાલ કરી 10 એકર કિંમતી જમીન પુનઃ પ્રાપ્ત કરવામાં આવી છે. આ ખાલી થયેલી જમીન પર તંત્ર દ્વારા 40,000 વૃક્ષોના વાવેતર સાથે હરિયાળું વન ઉભું કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સ્વચ્છતા અને હરિયાળી માટે જાણીતા પાટનગર ગાંધીનગરે ફરી એકવાર પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરની સેકટર-30 સ્થિત ડમ્પિંગ સાઈટ જે વર્ષોથી કચરાના ઢગલાઓથી ઘેરાયેલી હતી તેને હવે નવજીવન મળવા જઈ રહ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજે 3.85 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો સફળતાપૂર્વક નિકાલ કરી દેવામાં આવ્યો છે. આ કામગીરીના પરિણામે ડમ્પિંગ સાઈટ પરની 10 એકર કિંમતી જમીન કચરામુક્ત બની છે. આ સ્થળ પર હવે મિયાવાકી પદ્ધતિથી 40,00 જેટલા વૃક્ષો ઉછેરવામાં આવશે. જે શહેરની હવાની ગુણવત્તા સુધારવામાં મહત્વનો ફાળો આપશે. મિયાવાકી એક એવી જાપાનીઝ પદ્ધતિ છે જેમાં ઓછી જગ્યામાં ખૂબ જ ઝડપથી અને ગીચ જંગલનું નિર્માણ કરી શકાય છે.
આ અંગે સૂત્રોએ કહ્યું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર કચરાનો નિકાલ જ નથી કર્યો પરંતુ તેને આવકના સ્ત્રોતમાં પણ ફેરવી નાખ્યો છે. વેસ્ટ કન્વર્ટર મશીન અને વર્મીકમ્પોસ્ટ પદ્ધતિ દ્વારા અત્યાર સુધીમાં 11.51 લાખ કિલોથી વધુ ગુણવત્તાયુક્ત ખાતર બનાવવામાં આવ્યું છે. આ ખાતરનું વેચાણ મ્યુનિસિપલ હસ્તકની નર્સરીઓ દ્વારા કરવામાં આવ્યું છે. એજ રીતે પર્યાવરણ માટે સૌથી મોટો પડકાર મનાતા પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે પણ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન એકત્ર કરાયેલા અંદાજે 1.27 લાખ કિલો પ્લાસ્ટિક કચરાને રિસાયકલ કરી તેનો ઉપયોગ હવે બાંધકામ ક્ષેત્રે કરવામાં આવશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ આ પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ બાદ ખાનગી અને સરકારી ઇમારતોના નિર્માણ કાર્યોમાં વપરાશે. આ પગલાથી પ્લાસ્ટિકના કારણે થતું પ્રદૂષણ ઘટશે અને બાંધકામમાં પણ નવી ટેકનોલોજીનો ઉપયોગ વધશે. આમ ગંદકીના ઢગલામાંથી હરિયાળી તરફનું આ પ્રયાણ શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે સુખદ પરિવર્તન લાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *