સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે ઐતિહાસિક MoU

Spread the love

ગુજરાતમાં રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈ આપતા એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આ મહત્વપૂર્ણ કરારની એક્સચેન્જ સેરેમની યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરતી આ પહેલથી રાજ્યના અંતરિયાળ, આદિજાતી અને ઓછી ટેલિકોમ સુવિધાવાળા વિસ્તારોમાં હાઈ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે. આ LoI અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ રૂપે કોમન સર્વિસ સેન્ટર (CSC), સરકારી શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમ, પોર્ટ્સ અને વન્યજીવ અભયારણ્યોને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડવાનું આયોજન છે. નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત ટ્રાયબલ વિસ્તારોમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે.
સ્ટારલિંકની સેટેલાઇટ ટેકનોલોજીથી રાજ્યની સરકારી શાળાઓમાં સ્માર્ટ એજ્યુકેશનને વેગ મળશે, જ્યારે PHC અને ટેલિ-મેડિસિન સેન્ટર્સ દ્વારા આરોગ્ય સેવાઓ ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ બનશે. સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોસ્ટલ પોલીસ, વાઇલ્ડલાઇફ મોનિટરિંગ અને હાઈવે સેફ્ટી સિસ્ટમ્સ માટે વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. આ LoIના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર અને સ્ટારલિંક વચ્ચે જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે. ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને સ્ટારલિંક ઇન્ડિયાના હેડ પ્રભાકર જયકુમાર દ્વારા LoIની આપ-લે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રોજેક્ટ રાજ્યની ઇ-ગવર્નન્સ અને ડિજિટલ સર્વિસિસ માટે માઈલસ્ટોન સાબિત થશે અને ગુજરાતને ડિજિટલ રીતે વધુ મજબૂત બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *