
ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સેક્ટર-1 ફૂડ પ્લાઝાની દુકાનો માટે ઈ-હરાજી યોજાઈ હતી. જેમાં અમૂલ ફેડરેશને ત્રણ દુકાનો માટે ઊંચી બોલી લગાવી મેદાન માર્યું છે. આ હરાજીમાં સૌથી વધુ 79,500 રૂપિયા માસિક ભાડું એક દુકાન માટે નક્કી થયું છે. ફૂડ પ્લાઝાની કુલ 5 દુકાનો પૈકી 3 દુકાનો અમૂલને ફાળવવામાં આવી છે. જેથી ટૂંક સમયમાં જ સૂર્યજ્યોત તળાવ પાસે નાગરિકો માટે ખાણીપીણીની સુવિધા ઉપલબ્ધ બનશે. ગાંધીનગરના સેક્ટર-1 ના સૂર્યજ્યોત તળાવ પાસે આવેલી મહાનગરપાલિકાની ફૂડ પ્લાઝાની દુકાનોની ઈ-હરાજીમાં આજે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. મનપા તંત્ર દ્વારા 5 દુકાનો માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાંથી 3 દુકાનો અમૂલ એ હસ્તગત કરી છે. જોકે બાકી રહેલી બે દુકાનો પૈકી એકમાં માત્ર એક જ અરજદાર હોવાથી અને બીજી દુકાન માટે કોઈ જ ફોર્મ ન ભરાતા તંત્રએ આ બંને દુકાનો માટે રી-ટેન્ડર કરવાનો નિર્ણય લીધો છે.
એસ્ટેટ શાખા દ્વારા આગામી સમયમાં ગુડા ધ્વારા નિર્માણાધિન ટી.પી.8 અને એફપી 44 વિસ્તારની અન્ય ખાલી દુકાનો સાથે આ બાકી રહેલી બે દુકાનો માટે પણ નવેસરથી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ફૂડ પ્લાઝાની દુકાનો ખાનગી સંચાલકોને ફાળવવામાં આવી હતી.
જોકે, ભૂતકાળનો અનુભવ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કડવો રહ્યો હતો. અગાઉના અનેક કિસ્સાઓમાં દુકાનદારો દ્વારા લાખો રૂપિયાનું માસિક ભાડું સમયસર ચૂકવવામાં આવ્યું નહોતું. જેને કારણે પાલિકાની મોટી આવક અટવાઈ પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉના ડિફોલ્ટર્સ પાસેથી બાકી ભાડું વસૂલવા માટે મનપાએ મિલકતો સીલ કરવા સુધીની કાર્યવાહી પણ કરવી પડી હતી. આ વખતે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્રએ ઈ-હરાજી કરી છે અને દર વર્ષે ભાડામાં 7 ટકાના ફરજિયાત વધારાની શરત પણ રાખી છે.