રાજ્યપાલ દેવવ્રતજી 12 ફેબ્રુઆરીએ ચાણપા ગામની મુલાકાત લેશે

Spread the love

 

ચોટીલા તાલુકાના ચાણપા ગામે આગામી 12 ફેબ્રુઆરી, 2026ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત મુલાકાત લેશે. આ કાર્યક્રમના આયોજન માટે 9 ફેબ્રુઆરી, 2026ના રોજ ચાણપા પ્રાથમિક શાળામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ કરી હતી.બેઠકમાં રાજ્યપાલની મુલાકાત અને કાર્યક્રમના સુચારુ સંચાલન માટે સંબંધિત વિભાગોને વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં 12 ફેબ્રુઆરી, 2026ના રોજ ચાણપા ગામે સેવા સેતુનું આયોજન કરવા, વીજ પુરવઠો સતત જાળવી રાખવા અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વધુમાં, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા, એડવાન્સ સિક્યુરિટી ટીમ માટે આવાસ, ભોજન અને પરિવહનની વ્યવસ્થા કરવા તથા ફાયર ફાઈટર ટીમ તૈનાત રાખવા જણાવાયું હતું. નિષ્ણાત તબીબી અધિકારીઓ/કર્મચારીઓની ટીમ એમ્બ્યુલન્સ વાહન સાથે ઉપલબ્ધ રહે તેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આહાર અને પીણાંની ગુણવત્તા ચકાસવા માટે ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમો નક્કી કરવા પણ સૂચના અપાઈ હતી. રાજ્યપાલના કાફલાના માર્ગો પર સાફ-સફાઈ કરવા અને રખડતા ઢોર કોન્વોયમાં ન આવે તે માટે કાર્યવાહી કરવા પણ નિર્દેશ અપાયો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને માસ્ટર ટ્રેનર્સને કાર્યક્રમમાં હાજર રાખવા, પશુઓનું રસીકરણ કરાવવા, ગામની સફાઈ અને ગંદકી દૂર કરવા તેમજ વૃક્ષારોપણની વ્યવસ્થા કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં ચોટીલાના તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) લીંબડીના નાયબ કાર્યપાલક ઇજનેર, પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલાના પ્રતિનિધિ, ચીફ ઓફિસર ચોટીલાના પ્રતિનિધિ, મેડિકલ ઓફિસર ચોટીલા, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સુરેન્દ્રનગરના મદદનીશ કમિશનરના પ્રતિનિધિ, ડેપો મેનેજર ચોટીલા, પી.જી.વી.સી.એલ. ચોટીલાના નાયબ કાર્યપાલક ઇજનેર, ચાણપા પ્રાથમિક શાળાના આચાર્ય, ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચોટીલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચોટીલાના પ્રતિનિધિ, ચાણપા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *