
અમદાવાદમાં શહેરના બોપલ ખાતે આવેલા વકીલ સાહેબ બ્રીજની નીચે મોડીરાતે એક યુવકની તેના મિત્રોની સાથે છરીના ઘા ઝીંકીને ત્રણ શખ્સોએ ઘાતકી હત્યા કરી દેતા ચકચારમચી ગઈ છે.યુ વકને બસની બહાર લોવાની ત્રણ શખ્સોએ બબાલ કરી હતી અને ત્યારબાદ હિંસક હુમલો કરીને શિવા કલસુવાને મોતનો ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં શાહપુરમાં અજાણ્યા શખ્સોએ યુવાનને છરીના ઘા માર્યા છે, તે હાલ સારવાર હેઠળ છે. મણીનગર વિસ્તારમાં આવેલા મોતીભાઈની ચાલીમાં રહેતા કિશન કલાસુઆએ સરખેજ પોલીસ સ્ટેશનમાં સુનિલ ખોકરીયા સહિત ત્રણ લોકો વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. કિશન મુળ રાજસ્થાનનો વતની છે અને પત્નિ મમતા સાથે ભાડાના મકાનમાં રહે છે. કિશન ઈસનપુરમાં નોકરી કરે છે જ્યારે તેનો ફોઈનો દિકરો શિવા કલાસુઆ અને સંબંધી શિવા પરમાર સાઉથ બોપલમાં ભાડેથી રહે છે. ગઈકાલે કિશન પોતાની નોકરી પુરી કરીને ઘરે ગયો ત્યારે રાતે બાર વાગ્યાની આસપાસ તેના કૌટુંબિક ભાઈ રીતેશ કલાસુઆનો ફોન આવ્યો હતો. રીતેશે ફોન પર જણાવ્યુ હતુંકે ફોઈના દિકરા શિવાનો બોપલ બ્રિજ પાસે ઝઘડો થયો છે અને તે ફોન ઉપાડતો નથી. ભાઈની વાત સાંભળતાની સાથેજ કિશન અને મમતા મણીનગરથી બોપલ જવા માટે રવાના થયા હતાં. બોપલ પહોચ્યા ત્યારે કિશનને જાણવા મળ્યું કે શિવાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે. કિશન મમતા સાથે હોસ્પિટલ પહોચ્યો ત્યારે શિવાને જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શીવાના શરીર પર છરીના ઘા વાગેલા હતા અને તેનુ મોત થયુ હતું. શિવાના પરિચિત યુવતી તન્નુ તેમજ સુરેશે જણાવ્યુ કે, શિવા વકીલ સાહેબ બ્રીજની નીચે સુરેશ અહારીની ટ્રાવેલ્સ બસમાં બેઠો હતો ત્યારે તેના માબાઈલમાં નારાયણ ઉર્ફે રાજકુમારનો ફોન આવ્યો હતો. નારાયણે શિવાને મળવાનું જણાવતા તેણે તેને વકીલ સાહેબ બ્રિજ નીચે બોલાવ્યો હતો.
નારાયણ તેની સાથે ત્રણ લોકોને લઈને આવ્યો હતો અને ટ્રાવેલ્સનો દરવાજો ખખડાવ્યો હતો. સુરેશે દરવાજો ખોલ્યો ત્યારે રાજકુમારની સાથે સુનિલ ખોકરીયા સહિત બે લોકો હતાં. સુનિલ સહિત બે લોકોએ શિવાને બસની બહાર બોલાવ્યો હતો. સુનિલ અને શિવા વાત કરી રહ્યો હતો, ત્યારે એકાએક મામલો બીચક્યો હતો. સુનિલે તેના સાગરીતો સાથે મળીને શિવાને આડેધડ છરીના ઘા ઝીંકવાના શરૂ કરી દીધા હતા. ઈજાગ્રસ્ત શિવા જમીન પર ઢળી પડ્યો હતો જ્યા તેને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા ત્યા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શિવાની હત્યા કયા કારણોસર થઈ તે રહસ્ય હજુ સુધી અંકબંધ છે. રાજકુમારના નિવેદન બાદ સમગ્ર હકીકત સામે આવશે. હાલ શિવાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. શાહપુર વિસ્તારમાં રહેતા ગૌતમ દાતણીયાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાની કોશિષની ફરિયાદ કરી છે. સોમવારની રાતે ગૌતમ દાતણીયાનો દિકરો અમર ઉર્ફે સબર ઘરે આવ્યો નહી. ગૌતમને એમ થયું હતું કે, અમર ગેરેજની બહાર સુઈ ગયો હશે. ગઈકાલે ગૌતમ અને તેના પરિવાર ઘરમાં હાજર હતા ત્યારે એક વ્યકિત તેમના ઘરે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તમારો દિકરો અમર રેટીયાવાડી પાસે આવેલા ગેરેજની બહાર લોહીલુહાણ હાલતમાં પડ્યો છે. ગૌતમ સહિતના લોકો રેટીયાવાડી પહોચી ગયા હતા જ્યા અમર લોહલુહાણ હાલતમાં હતો. અમરને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યા તેની હાલત નાજુક છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. શાહપુર પોલીસે આ મામલે હત્યાની કોશિષનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મોડીરાતે અમરને કોઈ અજાણ્યા શક્સોએ અગમ્ય કારણોસર બોથડ પ્રદાર્થથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી.