
અમદાવાદ શહેરમાં રહેતા એક ઠગ દંપતીએ ધ કેરિયર પ્રોફેશનલ્સ નામની ઓફિસ શરૂ કરીને રિક્રુટમેન્ટ, ટ્રેનિંગ, બેક ગ્રાઉન્ડ વેરિફિકેશન, ઇમિગ્રેશન સંબંધિત કામ શરૂ કર આરોપી દંપતીએ 14 લોકોને અલગ અલગ દેશમાં નોકરી અને પીઆર વિઝા અપાવવાનું કહીને 72.45 પડાવીને કામ ન કરીને છેતરપિંડી આચરી હતી. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોલામાં રહેતા ભાર્ગેશભાઇ પટેલ રિયલ એસ્ટેટનો ધંધો કરે છે. ભાર્ગેશભાઇ અગાઉ ડો. ઉર્જીત કવી સાથે આશ્રમ રોડ ખાતે એક કંપનીમાં નોકરી કરતા હતાં. જે બાદ ઉર્જીતે તેની પત્ની હર્ષિદા ઉર્જીત કવિ સાથે ધ કેરિયર પ્રોફેશનલ્સ નામની ઓફિસ શરૂ કરીને રિક્રુટમેન્ટ, ટ્રેનિંગ, બેક ગ્રાઉન્ડ વેરિફિકેશન, ઇમિગ્રેશન સંબંધિત કામ શરૂ કર્યુ હતું. પહેલા ઉર્જીતે ભાર્ગેશભાઇને ઓફિસે બોલાવ્યા હતા. જ્યાં પોતે પત્ની સાથે ભાગીદારીમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ, યુકેમાં નોકરી સાથેના પીઆર વિઝાનું કામ કરતો હોવાનું કહીને કામ અપાવવાં કહ્યું હતું. જે બાદ ભાર્ગેશભાઇએ અનેક પરિચીત લોકોને ડો. ઉર્જીત કવી અને હર્ષિદા ઉર્જીત કવિની ઓફિસે મોકલ્યા હતાં. પાંચ માસમાં આ ઠગ દંપતીએ નોકરી સાથેના પીઆર વિઝા પ્રોસેસિંગનું 13 લોકોનું કામ હાથમાં લીધુ હતું અને 61.24 લાખ મેળવી લીધા હતા. જે બાદ આ તમામ લોકોને ટીપીસી કોર્પ્સ નામની રિસિપ્ટ આપીને છથી આઠ માસમાં પીઆર વિઝાનું કામ થઇ જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. બે ત્રણ માસ બાદ આ દંપતીએ સ્પોન્સરશીપ કમ જોબ ઓફર લેટર તથા બાયોમેટ્રિક દસ્તાવેજ, આઇ.ઇ.એલ.ટી.એસ. સહિતના સર્ટિફિકેટ પણ મોકલી આપ્યા હતાં. ત્યારબાદ ત્રણ માસમાં કામ થઇ જવાનો વાયદો કર્યો હતો. જોકે, આઠ માસ બાદ પણ કામ ન થતાં તમામ લોકોએ પૈસા પરત માંગ્યા હતાં. જોકે, દંપતીએ પૈસા પરત ન આપીને કુલ 14 લોકો સાથે 72.45 લાખની છેતરપિંડી આચરતા મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો. ચાંદખેડા પોલીસે આ મામલે ઠગ દંપતી ડો. ઉર્જીત કવી અને હર્ષિદા ઉર્જીત કવિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.