વસ્તી ગણતરીમાં માહિતી આપવામાં આનાકાની કરી તો દંડ

Spread the love

 

ગુજરાતમાં આવનારી વસ્તી ગણતરીને લઈ રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગઈ છે. વસ્તી ગણતરી માટે અધિકારીઓની નિમણૂક અંગે ગુજરાત સરકાર દ્વારા વધુ બે ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેમાં શહેરી વિસ્તાર તથા જિલ્લા વિસ્તાર માટે અલગ-અલગ ગેઝેટ જાહેર કરવામાં આવ્યા છે. આ ગેઝેટ મુજબ રાજ્યમાં હાઉસલિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસનો પ્રથમ તબક્કો 20 એપ્રિલ 2026થી 19 મે 2026 સુધી યોજાશે, જ્યારે વસ્તી ગણતરીનો મુખ્ય તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા મુખ્યત્વે શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને સોંપવામાં આવશે અને તે સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી હાથ ધરવામાં આવશે. ડાયરેકટર ઓફ સેન્સસ ઓપરેશન, સુજલ મયાત્રાએ જણાવ્યું કે વસ્તી ગણતરી એક લાંબી અને વ્યાપક પ્રક્રિયા છે, જેને બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં હાઉસલિસ્ટીંગ હાથ ધરાશે, જેમાં ગણતરીકારો દરેક ઘરની મુલાકાત લઈ 33 પ્રશ્નોના આધારે ઘરને લગતી મૂળભૂત માહિતી એકત્રિત કરશે. આ માહિતીમાં ઘરનો પ્રકાર, ઘર રહેણાંક હેતુ માટે ઉપયોગમાં છે કે નહીં, ઘરમાં લાદી છે કે નહીં, પીવાના પાણી, શૌચાલય, વીજળી, ટીવી જેવી સુવિધાઓ અંગેની વિગતો સામેલ રહેશે. આ તમામ માહિતી ભારત સરકાર દ્વારા વિકસિત ખાસ ડિજિટલ એપ્લિકેશન મારફતે ઓનલાઈન એકત્રિત કરવામાં આવશે.સુજલ મયાત્રાએ વધુમાં જણાવ્યું કે વસ્તી ગણતરીની તૈયારીઓ ડિસેમ્બર 2025થી જ શરૂ કરી દેવામાં આવી હતી. ભારત સરકારે તમામ ઘરો માટે જાહેરનામું બહાર પાડ્યું હતું અને તેના ભાગરૂપે નેશનલ માસ્ટર્સને તાલીમ માટે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. તેઓ પાછા આવીને રાજ્યસ્તરના માસ્ટર્સને તાલીમ આપી રહ્યા છે અને ત્યારબાદ જિલ્લા, તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. ગેઝેટમાં કરાયેલી જોગવાઈ મુજબ દર 700થી 800 વસતિદીઠ એક ગણતરીકારની નિમણૂક કરવામાં આવશે, જેમાં મોટા ભાગે શિક્ષકોની મહત્વની ભૂમિકા રહેશે.
રાજ્ય સરકારે શહેરી વિસ્તારો માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે મનપા કમિશનરની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે શહેર સ્તરે સિટી સેન્સસ ઓફિસર તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે. મહાનગરપાલિકાના વોર્ડ સ્તરે વોર્ડના સેન્સસ ઓફિસર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી નિભાવવામાં આવશે. તે ઉપરાંત મનપા અને નગરપાલિકા વિસ્તારો માટે ખાસ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વસ્તી ગણતરી માટે અધિકારીઓની સ્પષ્ટ નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા સ્તરે પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે કલેકટર ફરજ બજાવશે, જ્યારે જિલ્લા વસ્તી અધિકારી તરીકે નિવાસી અધિક કલેકટર જવાબદારી નિભાવશે. તાલુકા સ્તરે ચાર્જ સેન્સસ ઓફિસર તરીકે મામલતદારને ફરજ સોંપવામાં આવી છે અને સબ-ડિવિઝનલ સેન્સસ ઓફિસર તરીકે નાયબ કલેકટરને જવાબદારી આપવામાં આવી છે.હાઉસલિસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 30 દિવસ દરમિયાન એકત્રિત થયેલ સમગ્ર ડેટાનું સુપરવાઈઝર દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ ફરી ગણતરીકારો અને શિક્ષકોને તાલીમ આપવામાં આવશે જેથી તેઓ ફેબ્રુઆરી 2027માં યોજાનાર વસ્તી ગણતરી માટે સંપૂર્ણ તૈયાર થઈ શકે. ફેબ્રુઆરીમાં એકત્રિત થયેલ માહિતીના આધારે ત્રણથી ચાર મહિનામાં સમગ્ર ડેટાનું સંકલન કરી તેને જાહેર કરવામાં આવશે.આ વખતે વસ્તી ગણતરીની સૌથી મહત્વની વિશેષતા એ છે કે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ રહેશે અને કાગળનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવશે નહીં. મકાન લિસ્ટીંગથી લઈને તમામ માહિતી ઓનલાઈન એપ્લિકેશનમાં ભરવામાં આવશે અને દરરોજ સાંજે આ માહિતી દેશના અન્ય ડેટા સેન્ટરોમાં સિંક કરવામાં આવશે, જેના કારણે ડેટાની સુરક્ષા, પારદર્શિતા અને ઝડપી પ્રક્રિયા શક્ય બનશે. વધુમાં ગેઝેટમાં કાયદાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં વસ્તી ગણતરીના કામમાં અવરોધ ઊભો કરનાર વ્યક્તિને ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ રાખવામાં આવી છે, જ્યારે માહિતી આપવામાં આનાકાની કરનાર વ્યક્તિને રૂપિયા એક હજાર સુધીનો દંડ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *