
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી દેતા તે ચર્ચામાં આવી હતી. શાળા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક મુદ્દે અરજી કરવામાં આવી છે. જેમાં તેને જણાવ્યું છે કે શાળાનું મેનેજમેન્ટ DEO એ તેના હસ્તક લઈ લીધું છે. જેને એક મહિનો કરતાં વધુ સમય થયો છે. નવા એડમિશન રોકી દેવામાં આવ્યા છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનવણી યોજાઇ હતી. જેમાં આશ્ચર્યજનક રીતે શાળાના સમર્થન અને વિરોધમાં વાલીઓના જૂથ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. તો વળી શાળાના સમર્થનમાં શિક્ષકો તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. આ તમામ અરજીઓને હાઇકોર્ટે નકારી નાખવાનું વલણ ધરાવતા તેને પરત ખેંચવામાં આવી હતી. હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે આ અરજીમાં સ્વહિત ધરાવતા લોકોનો કોઈ સ્થાન નથી. શાળા તરફથી કહેવાય હતું કે શાળાનું મેનેજમેન્ટ સરકાર હસ્તક લેતા અગાઉ જરૂરી કાગળિયા અને રજૂઆતની તક શાળાને અપાઇ નથી. ત્યારે હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે જે શાળા પોતાના વિદ્યાર્થીઓને સાચવી શકતી ન હોય, તેવા લોકોને શાળાનું મેનેજમેન્ટ એ કેવી રીતે સોંપવામાં આવે ? અરજદારે જણાવ્યું હતું કે ગુનાખોરી એક વ્યક્તિગત બાબત છે. આ શાળા લઘુમતી ધર્મ અંતર્ગત આવે છે.જેનું મેનેજમેન્ટ સરકાર લઈ શકે નહીં. શાળા બંધ કરવાનો પાવર પણ સરકાર પાસે નથી. જ્યાં સુધી શાળામાં વિદ્યાર્થીની હત્યાનો મામલો છે ત્યાં સુધી આરોપી સામે કાનૂની પ્રક્રિયા મુજબ કાર્યવાહી થઈ રહી છે. પહેલા તપાસ થવી જોઈએ ત્યારબાદ શાળા સામે પગલાં લેવા જોઈએ. સરકારી અધિકારીઓએ માંગેલા તમામ કાગળિયા શાળાએ પૂરા પાડ્યા છે, છત્તા નવા એડમિશન બંધ કરવામાં આવ્યા છે.
સરકારી વકીલે રજૂઆત કરી હતી કે એક ઘટના બાદ, આ જ શાળામાં બીજી એક ઘટના બની છે. જેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીનો શર્ટ બ્લેડથી ફાડી નાખ્યો હતો. આ એ જ મેનેજમેન્ટ છે, જે શાળાનું પહેલાથી હતું. પીડિત બાળકના માતા પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. હેડ માસ્ટર કહે છે કે આ કોઈ મોટી ઘટના નથી. બ્લેડથી શર્ટ ફાડવો તે હેડ માસ્તરની મોટી લાગતી નથી. આ અરજીમાં શિક્ષક અને વાલીઓ કેવી રીતે તેમના સમર્થનમાં આવી શકે ? જો કે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે અરજદારની અરજી સંદર્ભે જવાબ માંગીને વધુ સુનાવણી 7 મે ના રોજ રાખી છે. ત્યાં સુધી શાળાને કોઈપણ જાતની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. અગાઉની સુનવણીમાં સરકારી વકીલે કહ્યું હતું કે શાળાએ તપાસમાં DEO ને સહકાર આપ્યો નથી અને માગ્યા મુજબનું એક પણ કાગળ આપ્યો નથી. કોર્ટે પૂછ્યું હતું કે વાલીઓ શું બાળકોને મરવા માટે તમારી શાળામાં મૂકે ? ઘટના બની ત્યારે વોચમેન ઊંઘતો હતો ! સરકારી વકીલે કહ્યું હતું કે આ અરજી ફાઈલ કરે 15 દિવસ થયા છે. શાળાને જ્યારે શો કોઝ નોટિસ આપવામાં આવી, ત્યારે પણ તેઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હવે આ અરજી સાંભળવામાં કોઈ તાત્કાલિક કારણોની જરૂર નથી. અરજદારે જણાવ્યું હતું કે તેઓએ સરકારને તપાસમાં સહકાર આપ્યો છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે તમારા કહેવા માત્રથી શું ફેર પડે છે ? શું તેઓ તેમના ઓળખીતાને તે શાળામાં પોતાના બાળકોને મૂકવા માટે પ્રેરણા આપશે ? શાળાએ કહ્યું હતું કે શાળાના પ્રિન્સિપાલને પણ બદલી નાખવામાં આવ્યા છે. જો કે કોર્ટે કહ્યું હતું કે તેનાથી શું ? જે માતા પિતાએ પોતાનું બાળક ગુમાવ્યું છે તે પાછું મળશે ? તમે તે માતા-પિતાને વળતર આપી શકો, પરંતુ તેમને પોતાના બાળકને લઈને જે સપના જોયા હતા, શું તમે તને જીવંત કરી શકશો ? સરકારી વકીલ એ કહ્યું હતું કે શાળા ફી પણ રોકડમાં જ લેતી હતી, જેના એકાઉન્ટ્સ પણ શાળાએ DEO આપ્યા નથી. હાઇકોર્ટે કહ્યું હતું કે શાળાએ પોતાને પૈસા છાપવાનું મશીન બનાવી નાખ્યું છે. મેનેજમેન્ટ સ્કૂલ ચલાવવા સક્ષમ નથી. બાળકોને મરવા માટે વાલીઓ શાળાએ મોકલતા નથી ! સરકારી વકીલે જણાવ્યું હતું કે માઈનોરીટી ઇન્સ્ટિટ્યૂશન હોવા માત્રથી બાળકોની જિંદગી જોખમમાં મૂકી શકાય નહીં. નવા એડમિશનની કોઈ જરૂર નથી.