માણસામાં નશાના કાળા કારોબાર પર ANTF ત્રાટકી

Spread the love

 

ગાંધીનગરના માણસા ટાઉનમાં નશાકારક કફ સીરપનું વેચાણ કરતા એક ઇસમને સીઆઈડી ક્રાઈમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે માણસાના સરદાર માર્કેટ વિસ્તારમાં દરોડો પાડી 1 લાખ 14 હજારની કિંમતની નશાયુક્ત કોડીન સીરપના જથ્થા સાથે ધરપકડ કરી ખુલ્લેઆમ ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પોલીસ ઇન્સ્પેક્ટર એન. આર. પટેલને મળેલી બાતમી મળી હતી કે, માણસાના હનુમાનપુરામાં રહેતો અંકુર નારણભાઈ પટેલ નામનો શખ્સ પોતાની અલ્ટો કારમાં સવારના 9 વાગ્યાથી જ કોડીન શ્રેણીની નશાયુક્ત કફ સીરપનું સરદાર માર્કેટ પાસે છેલ્લા ઘણા સમયથી છૂટક વેચાણ કરી રહ્યો છે.
આ બાતમીના આધારે ટાસ્ક ફોર્સની અલગ અલગ ટીમો ખાનગી અને સરકારી વાહનોમાં માણસા પહોંચી ગઈ હતી. બાદમાં પોલીસની ટીમે માણસા બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી બાતમીવાળી અલ્ટો કારને ચારે બાજુથી ઘેરી લીધી હતી. અને એન.ડી.પી.એસ. એક્ટની કલમ 42 અને 50 હેઠળ તપાસ શરૂ કરવામાં આવતા 1 લાખ 14 હજારની કિંમતની 97 નંગ કફ સીરપની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર ઓપરેશન દરમિયાન લેપટોપ અને નાર્કોટિક્સ કીટની મદદથી સ્થળ પર જ તમામ પુરાવાઓનું પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યારે પકડાયેલા આરોપી અંકુર પટેલની પૂછપરછમાં નશાકારક સીરપના વેચાણ પાછળના અન્ય કનેક્શનો ખુલવાની પણ શક્યતા છે. માણસા જેવા ટાઉન વિસ્તારમાં જાહેરમાં થતા આ વેચાણે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *