
દક્ષિણ અમેરિકી દેશ ગુયાનાની સંસદમાં ભારતીય મૂળના મંત્રી વિકાસ રામકિસૂન દ્વારા હિન્દીમાં આપવામાં આવેલું ભાષણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયું છે. સંસદ સત્ર દરમિયાન તેમણે વિપક્ષના એ દાવાનો જવાબ હિન્દીમાં આપ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને હિન્દી આવડતી નથી.વિપક્ષી સાંસદ વિષ્ણુ પાંડેએ ગૃહમાં ટિપ્પણી કરી કે વિકાસ રામકિસૂનને હિન્દીનો એક પણ શબ્દ આવડતો નથી. આના પર રામકિસૂને સ્પીકરની પરવાનગી લીધી અને કહ્યું કે તેઓ આ જ મુદ્દા પર હિન્દીમાં જવાબ આપવા માગે છે.આ પછી તેમણે હિન્દીમાં બોલતા વિપક્ષી સાંસદને ખુલ્લો પડકાર ફેંક્યો. રામકિસૂને કહ્યું, “હું અત્યારે જ તેમને પડકારું છું કે કોઈપણ સ્તરે, કોઈપણ જગ્યાએ, વિષય તેઓ નક્કી કરે અને હું કાગળ જોયા વિના હિન્દીમાં ચર્ચા કરીશ.”
મંત્રી વિકાસ રામકિસૂનના ભાષણનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જેને મોટી સંખ્યામાં લોકો જોઈ અને શેર કરી રહ્યા છે. આ વીડિયો ભારતના હાઈ કમિશન દ્વારા ગુયાનાની રાજધાની જ્યોર્જટાઉનથી X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી તે ઝડપથી વાઇરલ થયો અને ભારત સહિત ઘણા દેશોમાં લોકો મંત્રીના હિન્દી ભાષાના જ્ઞાનની પ્રશંસા કરી રહ્યા છે.સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું કે હિન્દીને લઈને ઉઠાવવામાં આવેલો સવાલ બિનજરૂરી હતો અને મંત્રીએ કોઈ પણ નોટ્સ વગર હિન્દીમાં જવાબ આપીને ભાષા પરની તેમની પકડ સાબિત કરી દીધી.વિકાસ રામકિસૂન હાલમાં ગુયાનાના કૃષિ મંત્રાલયમાં મંત્રી છે. તેઓ અગાઉ સંસદમાં કૃષિ મંત્રાલયના સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે.
ગુયાનામાં ભારતીય મૂળની વસતિ મોટી સંખ્યામાં રહે છે. કુલ વસતિનો લગભગ 40% હિસ્સો ભારતીય મૂળના લોકોનો છે. આ કોઈપણ લેટિન અમેરિકન દેશમાં ભારતીય પ્રવાસીઓની સૌથી મોટી વસતિ છે. ગુયાનામાં ભારતીયોની હાજરીની શરૂઆત 5 મે 1838થી માનવામાં આવે છે. આ દિવસે ભારતમાંથી 396 ગિરમીટિયા મજૂરોને બ્રિટિશ ગુયાના લાવવામાં આવ્યા હતા.આ મજૂરો મુખ્યત્વે ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાંથી આવ્યા હતા અને તેમને શેરડી ઉદ્યોગમાં કામ કરવા માટે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ લગભગ એક સદી સુધી ચાલતી રહેલી ગિરમીટિયા પ્રથા દરમિયાન હજારો ભારતીયો અહીં વસતા ગયા.સમય જતાં ભારતીય મૂળના લોકોએ ખેતી, વેપાર અને મજૂરીથી આગળ વધીને શિક્ષણ, પ્રશાસન અને રાજકારણમાં પણ પોતાની મજબૂત હાજરી નોંધાવી. આજે ગુયાનાના રાજકારણમાં ઘણા મંત્રીઓ, સાંસદો અને મોટા નેતાઓ ભારતીય મૂળના છે.સાંસ્કૃતિક સ્તરે ભારતીય સમુદાયે પોતાની પરંપરાઓ અને ભાષાઓને પણ જાળવી રાખી છે. હિન્દી અને ભોજપુરી જેવી ભાષાઓ આજે પણ ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક આયોજનો અને પારિવારિક વાતચીતમાં સંભળાય છે. દિવાળી, ફાગુઆ (હોળી) અને અન્ય ભારતીય તહેવારો ગુયાનાની રાષ્ટ્રીય સંસ્કૃતિનો ભાગ બની ચૂક્યા છે.