
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ–2ની ટીમે દસ મહિના પહેલા થયેલી બાઈક ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચોરાયેલી બાઈક પણ પોલીસે કબજે લીધી છે.પોલીસના જણાવ્યા મુજબ, સેક્ટર-7 વિસ્તારમાં બનેલી વાહન ચોરીની ઘટનાઓ અંગે ક્રાઈમ બ્રાન્ચ સતત તપાસ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે GJ-18-AP-2225 નંબરની મોટરસાયકલ વાવોલ તરફ જતી જોવા મળી છે અને તે ચોરાયેલી હોઈ શકે છે.પોલીસે વાવોલ રોડ પર HP પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી શંકાસ્પદ બાઈકને રોકી ચાલક પાસે કાગળો માંગવામાં આવ્યા હતા. પરંતુ તે કોઈ યોગ્ય દસ્તાવેજ બતાવી શક્યો નહોતો. વધુ પૂછપરછ કરતાં બાઈક આશરે દસ મહિના પહેલા સરગાસણ બ્રિજ નીચે થી ચોરાઈ હોવાનું સામે આવ્યું.તપાસમાં જાણવા મળ્યું કે આ બાઈક સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ચોરાયેલી હતી. પોલીસે તરત જ બાઈક કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.પકડાયેલા આરોપીઓમાં પ્રવિણ અભયસિંહ સોલંકી અને ગોપાલ જવાન જોગી (રહે. અડાલજ) નો સમાવેશ થાય છે. જ્યારે મુળો જવાન જોગી નામનો એક આરોપી હજુ વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આશરે રૂ. 20,700ની કિંમતની હોન્ડા સ્પ્લેન્ડર બાઈક કબજે કરી છે. બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે સેક્ટર- 7 પોલીસને સોંપવામાં આવ્યા છે.