
ગાંધીનગરની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરવાના કેસમાં ફરાર આરોપીને બે મહિના બાદ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહેસાણાથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી એક દુકાનમાં નોકરી કરતો હોવાથી ખરાઇ કરવા માટે પોલીસ ગ્રાહક બનીને દુકાનમાં ગઇ હતી અને જ્યારે પાક્કી ખાતરી થઇ તે પછી આરોપીની અટકાયત કરી ગાંધીનગર લવાયો હતો. ગાંધીનગર જીલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨ ડિસેમ્બર 2025 ના રોજ રાંધેજા ગામની 14 વર્ષની એક સગીરાનું લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું,. આ મામલે સગીરાના પરિવારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની ગંભીરતા જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી LCB-2 ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી,. પોલીસે સગીરા અને આરોપીને શોધવા માટે તેમના મિત્રો અને સગા-સંબંધીઓની પૂછપરછ કરી હતી, પણ બે મહિના સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો,. પોલીસે તમામ દિશાઓમાં તપાસ ચાલુ રાખી હતી.ટેકનિકલ તપાસ અને બાતમીદારોની મદદથી પોલીસને પાકી માહિતી મળી કે આરોપી કૌશલ શૈલેષભાઇ દરજી મહેસાણાના કટોસણ રોડ પાસે છુપાયો છે,. પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. આરોપી ત્યાં એક દુકાનમાં કામ કરતો હતો, તેથી તેને પકડવા માટે પોલીસના માણસો ગ્રાહક બનીને દુકાને ગયા હતા. ત્યાં જઈને તપાસ કરતા આરોપી અને સગીરા બંને મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને સગીરાનો કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેમને પેથાપુર પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ હાથ ધરી છે.