વૃદ્ધાનો આત્મવિલોપન પ્રયાસ… લોકોની સમયસર મધ્યસ્થીથી મોટી દુર્ઘટના ટળી

Spread the love

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બુધવારે સાંજે એક વૃદ્ધ મહિલાએ પોતાનું ઘર તૂટતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર લોકોની સમયસર મધ્યસ્થીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.દહેગામના આંતરિક માર્ગો પર વધી રહેલા દબાણોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી. સ્થાનિકોની વારંવારની રજૂઆતો બાદ, ઔડાની ટીમે બુધવારે સવારથી પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ શરૂ કરી હતી. પોલીસ સ્ટેશન વિસ્તારની આસપાસ રોડ લાઈનમાં આવતા કાચા-પાકા દબાણો અને મકાનોના વધારાના ભાગોને જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યા હતા.
સાંજના સમયે ડિમોલિશનની કામગીરી પૂર્ણતાના આરે હતી, ત્યારે પોલીસ સ્ટેશન પાસે રહેતા વિનુબેન વાઘેલા નામના વૃદ્ધ મહિલાનું મકાન પણ દબાણમાં આવતું હોવાથી તોડી પાડવામાં આવ્યું. વર્ષો જૂનો આશરો છીનવાઈ જતાં વિનુબેન અત્યંત ભાવુક બન્યા હતા. તેઓ અચાનક પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને દોડી આવ્યા અને ‘મને મારું ઘર અપાવો’ તેવી બૂમો પાડતા પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો.આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વૃદ્ધ મહિલા કોઈ અઘટિત પગલું ભરે તે પહેલાં જ ત્યાં ઉભેલા જાગૃત નાગરિકો અને અન્ય મહિલાઓએ તુરંત દોડી જઈ વિનુબેનના હાથમાંથી પેટ્રોલની બોટલ ઝૂંટવી લીધી હતી અને તેમને શાંત પાડ્યા હતા. લોકોની સમયસરની મધ્યસ્થીને કારણે મોટી હોનારત ટળી હતી.આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એક તરફ તંત્રની ટ્રાફિક હળવો કરવાની કામગીરીને લોકો આવકારી રહ્યા છે, તો બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના આશરા છીનવાતા હોવાથી લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *